(એજન્સી) તા.૨૮
શું તમે સરકાર, ન્યાયતંત્ર અને ભારતના બંધારણમાં વિશ્વાસ રાખતા એક સામાન્ય કાયદાપાલક નાગરિક છો ? સ્વાભાવિક છે કે તમારો જવાબ ‘હા’માં જ હશે અને તમે કદાચ એવું પૂછશો કે આવો સવાલ કેમ પૂછ્યો ? શુું તમને યાદ હશે કે વોડાફોન, એરટેલ જેવા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર તમને આધારકાર્ડ મોબાઇલ નંબર સાથે લીંક કરવું ફરજીયાત છે એવા સંદેશા વારંવાર મોકલતા હશે.
અલબત આ બાબત પણ તમને યાદ હશે જ. ઘણા લોકો આવા સંદેશા વાંચીને ગભરાઇ જતા હતા કે તેમનો નંબર કપાઇ ન જાય. તમને કદાચ એ પણ યાદ હશે કે કેન્દ્રીય કાયદા અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે પણ એવો આગ્રહ રાખ્યો હતો કે સુપ્રીમકોર્ટે આદેશ કર્યો હોવાથી તમારે આધાર કાર્ડ સાથે તમારો મોબાઇલ નંબર લીંક કરાવવો ફરજીયાત છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સુપ્રીમકોર્ટે આવું ક્યારેય કહ્યું નથી. તમે કદાચ જાણતા નહી હો કે સુપ્રીમકોર્ટે મોબાઇલ નંબર સાથે આધાર કાર્ડ લીંક કરવાની ક્યારેય કોઇ સૂચના કે આદેશ જારી કર્યો નથી. પરંતુ રવિશંકર પ્રસાદ કેન્દ્રીય પ્રધાન છે. તમે કદાચ એવું માનતા હશો કે રવિશંકર પ્રસાદ મને કે સામાન્ય પ્રજાને ગેરમાર્ગે દોરે નહીં એટલે સુધી કે યુએઆઇડીએઆઇએ જાહેરમાં ંજણાવ્યું હતું કે સુપ્રીમકોર્ટે કોઇ લોકનીતિ કેસમાં આવું જણાવ્યું હતું.
વાસ્તવમાં આ કેસમાં સુપ્રીમકોર્ટના આદેશનું ઇરાદાપૂર્વક ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. સુપ્રીમકોર્ટે આ કેસમાં એવું જણાવ્યું હતું કે સરકારે મોબાઇલ નંબરોની ચકાસણી કરવા માટે કોઇ પગલા લેવાની વ્યવસ્થા કરવી જોઇએ. સુપ્રીમકોર્ટે એવું ક્યારેય કહ્યુ ન હતું કે આ બાબત માત્ર આધાર દ્વારા જ થઇ શકે.