(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાએ એક મહત્વનું પગલું ભરતાં આધાર સંબંધિત તમામ અરજીઓ પર સુનાવણી કરવા પાંચ જજોની બંધારણીય બેન્ચની રચના કરવાની જાહેરાત કરી. આધાર જોડાણ અંગે જૂઠાણાઓ ફેલાવવામાં આવી રહ્યાં છે તેવા એટર્ની જનરલ કેકે વેણુગોપાલની રજૂઆતને ધ્યાનમાં લઈને તેમણે આ પગલાની જાહેરાત કરી. વેણુગોપાલે કહ્યું કે સરકાર દલીલ કરવા તૈયાર છે અને જો કોર્ટને જરૂરી લાગે તો તે આ તમામ અરજીઓનો નિકાલ લાવવા માટે બંધારણીય બેન્ચની રચના કરી શકે છે. જોકે મોબાઈલ ફોન, બેન્ક ખાતાઓ તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓ સાથે આધારને ફરજિયાત રીતે જોડવાને જે સમયમર્યાદા સરકારે ૩૧ ડિસેમ્બરથી વધારીને ૩૧ માર્ચ ૨૦૧૮ કરી છે તે સંબંધિત કંઈ પણ કોર્ટમાં કહેવામાં નથી આવ્યું. વેણુગોપાલે આ સમયમર્યાદા વધારવાના સરકારના નિર્ણય વિશે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી. સરકારે ગત અઠવાડિયે આધારને જોડવાની સીમા ડિસેમ્બરના અંત સુધીમાં ખતમ થવાની હતી તેને લંબાવીને ૩૧ માર્ચ ૨૦૧૮ કરી નાખી છે. ગોપનીયતા મૂળભૂત અધિકારને જાહેર કરનાર નવ સભ્યોની બેન્ચમાં જસ્ટીસ નરીમાને અલગ ચુકાદો આપ્યો હોવા છતાં પણ આધાર સંબંધિત તમામ અરજીઓ પર સુનાવણી કરવા માટે પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જસ્ટીસ નરિમાનના ચુકાદામાં આધાર સંબંધિત તમામ અરજીઓની સુનાવણી ત્રણ સભ્યોની મૂળ બેન્ચ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અરજદારોએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે કલ્યાણકારી યોજનાઓ માટે આધારને જરૂરી બનાવવાથી લોકોના અધિકારો અને આઝાદી પર પ્રતિબંધ મૂકે છે જે નાગરિકો ઘણા સમયથી ભોગવી રહ્યાં છે. ૨૦૧૬ ના આધાર કાયદાને ગેરબંધારણીય અને સીમિત તથા જવાબદાર સરકારના અભિગમની વિપરીત ગણાવ્યો.