(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
દેશમાં આધાર ડેટાબેઝ ૨૦૦૯માં શરૂ કરાયો ત્યારથી તેની સુરક્ષા એક મહત્વનો મુદ્દો રહ્યો છે. ફરી એક વાર આધાર ડેટાબેઝ ચર્ચામાં છે. એક અહેવાલામાં તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે આધાર સોફ્ટવેર હેક થયું છે અને પેચનો વ્યાપક રીતે ઉપયોગ કરીને ડેટાબેઝ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. ત્રણ મહિના લાંબી તપાસમાં આધાર ઓળખના ડેટાબેઝમાં સ્ટોર કરવામાં આવેલા ડેટાની સુરક્ષામાં એક સોફ્ટવેર પેચનો ઉપયોગ કરીે ગાબડું પાડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સોફ્ટવેર પેચ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) દ્વારા વિધિસર રીતે વિકસાવવામાં આવ્યું નથી. આ સોફ્ટવેર પેચ દ્વારા સત્તાવાર આધાર એનરોલમેન્ટ સોફ્ટવેરના સુરક્ષા ફીચરને બંધ કરીને હેકર્સ બિનસત્તાવાર આધાર નંબર્સ બનાવી શકે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો હેકર્સ સોફ્ટવેર પેચનો ઉપયોગ કરીને આધારની માહિતી મેળવી શકે છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોઇ પણ અનધિકૃત વ્યક્તિ માત્ર ૨૫૦૦ રૂપિયામાં સરળતાથી મળતા આ સોફ્ટવેર પેચ દ્વારા દુનિયામાં ગમે ત્યાંથી આધાર આઇડી તૈયાર કરી શકે છે. સમગ્ર દેશમાં ઘણા એનરોલમેન્ટ ઓપરેટર્સ દ્વારા આ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરમિયાન, એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યુઆઇડીએઆઇએ આધાર સોફ્ટવેરમાં કથિત રીતે હેકિંગના અહેવાલો ફગાવી દીધા છે. મંગળવારે એક સત્તાવાર નિવેદન જારી કરીને યુઆઇડીએઆઇએ જણાવ્યું કે ઓનલાઇન અને સોશિયલ મીડિયામાં આધાર એનરોલમેન્ટ સોફ્ટવેરના કથિત રીતે હેકિંગના અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે. નિવેદનમાં જણાવ્યા મુજબ રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાઓ સત્યથી દૂર અને આધારવિહોણા છે.

આધાર સોફ્ટવેર હેક થયું, ડેટાબેઝ સામે ખતરો : કોંગ્રેસ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
એક અબજથી વધુ ભારતીયોની બાયોમેટ્રિક્સ અને અંગ માહિતીવાળા આધાર ડેટાબેઝમાં એક સોફ્ટવેર પેચ દ્વારા ચેડાં કરવામાં આવ્યા હોવાનો હફપોસ્ટની તપાસમાં ઘટસ્ફોટ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે જણાવ્યું કે આધારનો ડેટાબેઝ સુરક્ષિત નથી અને ડેટાબેઝ સામે ખતરો છે. નવા આધાર યુઝર્સની નોંધણી કરવા માટે સોફ્ટવેર પેચો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સોફ્ટવેર પેચ સત્તાવાર આધાર એનરોલમેન્ટ સોફ્ટવેરના સુરક્ષાના ફિચર્સને બંધ કરી નાખે છે. એક ટિ્‌વટમાં કોંગ્રેસે જણાવ્યું કે અમને આશા છે કે સત્તાવાળાઓ ભાવિ એનરોલમેન્ટને સુરક્ષિત કરવા અને શંકાસ્પદ એનરોલમેન્ટની પુષ્ટિ માટે યોગ્ય પગલાં ભરશે. ગયા મહિને ફ્રાંસના સુરક્ષા નિષ્ણાત એલિયટ એલ્ડરસને યુઆઇડીએઆઇને પ્રશ્ન કર્યો હતો કે શા માટે તેનો હેલ્પલાઇન નંબર ઘણા લોકોના ફોનમાં તેમની જાણકારી વગર સેવ થઇ ગયા. આ બાબતે ભારતમાં ભારે વિવાદ થયો હતો અને કેટલાક લોકોએ આ નંબર ડિલીટ પણ કરી નાખ્યો હતો. હવે એન્ડરસને ફરી એકવાર કહ્યું છે કે યુઆઇડીએઆઇ ડેટામાં ગાબડું રોકવા માટે હેકર્સ સાથે કામ કરો. તેમણે એવું પણ કહ્યું કે કોઇ પણ વસ્તુ એવી નથી કે જેને હેક ન કરી શકાય અને આ બાબત આધારને પણ લાગુ થાય છે. ક્યારેય પણ બહુ મોડું થતું નથી. સાંભળો અને હેકર્સને ધમકી આપવાને બદલે તેમની સાથે વાત કરો.