(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આધારના વિવાદોમાં ઝંપલાવી ફરીથી બળતામાં ઘી નાંખ્યો છે. સ્વામીએ ટ્‌વીટર ઉપર જાહેરાત કરી કે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિગતવાર પત્ર લખી જણાવશે કે આધારને ફરજિયાત કરવું એ રાષ્ટ્રની સુરક્ષા માટે ભય ઊભું કરનાર સાબિત થશે અને ઉમેર્યું કે મને વિશ્વાસ છે કે, સુપ્રીમકોર્ટ એને રદ કરશે. સ્વામીએ લખ્યું છે કે, સુપ્રીમકોર્ટે સોમવારે જણાવ્યું હતું કે એ આધારને પડકારતી અરજીઓની સુનાવણી પાંચ જજોની બેંચ દ્વારા કરાવશે. મોદી સરકારે આધારને કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ફરજિયાત કર્યું છે. એ સાથે અન્ય સેવાઓ મેળવવા પણ ફરજિયાત કરાયું છે જેની સામે સંખ્યાબંધ અરજીઓ દાખલ થયેલ છે. કોર્ટે સરકારને ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા કહ્યું છે. આ પહેલી વખત નથી કે સ્વામીએ આધારની આલોચના કરી હોય. આ પહેલાં પણ સ્વામીએ કહ્યું હતું કે, આધારના દુરૂપયોગ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ખાસ કરીને વિદેશી ગુપ્તચર એજન્સીઓ દ્વારા દુરૂપયોગ થઈ શકે છે. એમણે કહ્યું હતું કે, સરકારે આધારકાર્ડના મુખ્ય સોફટવેર બનાવવાની કામગીરી એક અમેરિકન કંપનીને આપી હતી જેથી આધારની ડેટાની સુરક્ષા બાબત પ્રશ્નો ઊભા થઈ શકશે. એ ડેટાનો ઉપયોગ અમેરિકન એજન્સીઓ લાભ લેવા માટે કરી શકે છે.