(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૭
વડોદરા રેલ્વે પોલીસ અને દાહોદ એલસીબીની ટીમે દાહોદ-હબીબગજ ડેમુ ટ્રેનમાંથી બાળકીનું અપહરણ કરનાર એક આધેડ મહિલાને ઝડપી પાડી હતી. તેની સાથે રહેલી અન્ય એક બાળકીને પોલીસે કબ્જો લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર વડોદરા રેલ્વે પોલીસ અને દાહોદ એલસીબીની ટીમને બાતમી મળી હતી. દાહોદ રેલ્વે પોલીસ મથકમાં નોંધાયેલી બાળકીની અપહરણના બનાવમાં એક સ્ત્રી બાળકી સાથે રતલામથી દાહોદ તરફ મેમુ ટ્રેનમાં બેસી આવનાર છે.
જે બાતમીના આધારે વડોદરા રેલ્વે પોલીસની ટીમ તથા દાહોદ એલસીબીની ટીમે દાહોદ રેલ્વે સ્ટેશન પર આવેલી મેમુ ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એક શંકાસ્પદ આધેડ મહિલાને રોકી તેની પુછપરછ કરતાં તેની પાસે બે બાળકી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની સઘન પુછપરછ કરતાં બે પૈકીની એક સાડા ચાર વર્ષની બાળકી દિવ્યા રસુલભાઇ ભાભોર અને બીજી ત્રણ વર્ષની માયા હોવાનું જણાવ્યું હતું. ત્રણ વર્ષની માયાને તેણીએ અઢી માસ પહેલા દાહોદ રેલ્વે સ્ટેશનથી દાહોદ-હબીબગંજ ડેમુ ટ્રેનમાંથી ઉઠાવી હોવાની કબુલાત કરતા પોલીસે ત્રણ વર્ષની માયાનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.