અમદાવાદ, તા.ર
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે પોતે ખરીદાઈ ગયાના આક્ષેપોની વચ્ચે સમર્થન તો કોંગ્રેસને જ એવો ટંકાર કર્યો હતો. હાર્દિકે સ્પષ્ટપણે જણાવ્યું હતં કે, હું અઢી વર્ષ સુધી કોઈ પાર્ટીમાં જવાનો નથી હું તો જનતાનો એજન્ટ છું મને જનતા એે જ નોકરી પર રાખ્યો છે. આઈ એમ એજન્ટ ઓફ પીપલ સાથે જ હાર્દિકે કોંગ્રેસને સીધી કે આડકતરી રીતે ટેકો આપવામાં આવશે તેમ જણાવી અમે લોકોને જણાવીશું કે ભાજપને વોટ આપતા નહીં અમારું કામ લોકોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાનું છે. અનામતને લઈ ભાજપ મૂર્ખ બનાવી રહી છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિકે કોંગ્રેસને સમર્થન આપવાનો ઈશારો દર્શાવ્યો હતો. જ્યારે હાર્દિકે ટ્‌વીટ કરી છે કે, હું કહેતો હતો કે ગુજરાતમાં ક્રાંતિ જરૂર આવશે. ગુજરાતમાં ક્રાંતિ આવી ગઈ છે એમ કહી આડકતરી રીતે કોંગ્રેસ તરફ લોકજુવાળનો ઈશારો દર્શાવ્યો હતો જ્યારે બીજી ટ્‌વીટમાં બે લોકોના વિકાસ માટે કરોડો લોકોને પરેશાન કરવામાં આવે છે તેમ જણાવી વિકાસ પર કટાક્ષ કર્યો હતો. આમ હાર્દિક ભલે કોઈ પક્ષ સાથે ન જોડાય પણ તેની સભાઓમાં જે જનમેદની જોવા મળી રહી છે તે તેની મજબૂતાઈની સૂચક છે. જ્યારે સભાઓમાં પણ હાર્દિક ભાજપને વોટ ન આપવાનું જણાવી સીધી કે આડકતરી રીતે કોંગ્રેસનું જ સમર્થન કરી રહ્યો છે.

હું ખોટો છું તો સંસ્થાઓ આંદોલન
ચલાવી પાટીદારોને ન્યાય અપાવે
અમદાવાદ,તા.ર
પાટીદાર અનામત આંદોલન હવે હાર્દિક પટેલનું પ્રાઈવેટ અનામત આંદોલન બની ગયું હોવાના આક્ષેપો પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જેને સણસણતો જવાબ આપતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે જો હું ખોટો છું તો જે સંસ્થાઓના અગ્રણીઓ આક્ષેપ કરી રહ્યા છે. તેઓ આંદોલન ચલાવે અને પાટીદારોને ન્યાય અપાવે. હાર્દિક પટેલ સમાજના યુવાનોને ગુમરાહ કરી રાજકીય રોટલો શેકી રહ્યો હોવાના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સહિત ૬ પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓએ પત્રકાર પરિષદ યોજીને આક્ષેપ કર્યો હતો. ત્યારે આક્ષેપોનો વળતો પ્રહાર પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું ખોટો છું તો મારી ઉપર જે સંસ્થાએ આક્ષેપ કર્યો છે તેવો સમાજના મુદ્દાની વાત કરીને સરકારને ચેતવણી આપે પરંતુ આ સંસ્થા તો સરકારની સાથે બેસી સરકારના હિતની વાત કરી રહી છે. આપણને એવું ફાવે નહીં જે સાચુ હશે તે જ કહીશ. અને સમાજ હિતની વાત કરીશ. વધુમાં હાર્દિકે જણાવ્યું કે પાટીદાર શહીદોને ૩પ લાખ રૂપિયા આપવાની વાત હતી અને રૂપિયા ર૦ લાખ જ આપ્યા તેમાં પણ અમુક ચેક બાઉન્સ થયા ત્યારે ચૂંટણી સમયે આવા તો અનેક લોકો હજુ આવશે. તેના તરફ બહુ ધ્યાન રાખવું જોઈએ નહીં. સમાજનો મધ્યમ કચડાયેલો વર્ગ, યુવાનો, પરિવારો અને વડીલો આંદોલનની સાથે છે.