(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.ર૧
વાગરા તાલુકાના ભેરસમ ગામે ગત રોજ દહેજ વિસ્તારમાં આયોજીત પી.સી.પી.આઈ.આર.ની નગર રચના યોજનાની મુસદ્દારૂપ યોજના નંબર ૬/૨ની ઓનર્સ મીટિંગ મદદનીશ નગર નિયોજક ગાંધીનગર દ્વારા રાખવામાં આવી હતી.
ભરૂચના નાયબ કલેકટર યાસ્મીનબહેન શેખના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મીટિંટિમાં પી.સી.પી.આઈ.આર.ના અધિકારી રાહુલ જેન દ્વારા શરૂઆતમાં યોજના અંગેની જાણકારી તેમજ યોજનાથી થનાર વિકાસનું ચિત્ર રજૂ કરતાં ખેડૂતોમાંથી પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ યોજનામાં સરકારે કેટલુ બજેટ ફાળવ્યુ છે ? અને ખેડૂતોની જમીનનું શું વળતર આપવામાં આવશે ?
જવાબમાં અધિકારીએ જણાવ્યું કે, સરકાર આમા નાણા ફાળવે નહીં અને જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેમની ૩૫ ટકા જમીન કપાત થશે જેની સામે રૂપિયા ૩૭૬ પર ચોરસ મીટરના હિસાબે જે તે ખેડૂતના ખાતે ઓથોરીટીના ચોપડે જમા રહેશે અને બાકી રહેલી ૬૫ ટકા જમીનમાં ખેડૂતોએ વિકાસ ફાળો આપવાનો રહેશે વળી જે ૩૫ ટકા જમીનો ઓથોરિટી લેવાની છે તેમાંથી ૫થી ૧૦ ટકા જમીનોનું ઓથોરિટી વેચાણ કરશે જે રકમમાંથી રોડ રસ્તા બનાવવામાં આવશે.
અધિકારીના સદર જવાબથી ખેડૂતો સ્તબ્ધ બની ગયા કારણ વિકાસ કરવા માટે ખેડૂત પાસેથી મફતમાં ૩૫ ટકા જમીન લઈ લેવાની અને ઉપરથી વિકાસ ફાળાના નામે રૂપિયા પણ લેવાના એટલે વિકાસના નામે ખેડૂતોનો વિનાશ કરવાની યોજના કહેવાય.
સદર મીટિંગમાં હાજર ખેડૂત હિતરક્ષક દળના કોડીનેટર યાકૂબ ગુરજીએ જણાવ્યું હતું કે, સદર યોજના સામે ઉચ્ચ ન્યાયાલયમાં દાદ માંગવામાં આવી છે અને હાલ ૨૭/૦૨/૨૦૧૮ સુધી સ્ટેનો હુકમ હોવા છતાં અધિકારીઓ ન્યાયાલયની પણ અવગણના કરી યોજના સંબંધિત મીટિંગ કરી કોઈ પણ ભોગે ખેડૂતોની જમીનો પડાવી લેવા માંગે છે જે ન્યાલયના હુકમની કોપી અધિકારીઓને આપવામાં આવી હતી અને ઓથોરિટીના અધિકારીઓ સામે કોર્ટના અનાદરની ફરિયાદ દાખલ કરવામાં આવશેની વાત કરી હતી.
ખેડૂત આગેવાન અશોકભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, મહેશભાઈ પટેલ તેમજ ખેડૂત યુવાનો પણ યોજના વિરૂદ્ધ રજૂઆતો કરી અનેક પ્રશ્નો ઊભા કરતા અધિકારીઓએ ચાલતી પકડી હતી.