(એજન્સી) હૈદરાબાદ, તા.૧૮
મહિલાને છાતીના ભાગમાં લાત મારતો વીડિયો વાયરલ થયા બાદ પ્રજાના પ્રતિનિધિ અને સ્થાનિક ગ્રામીણ સંસ્થાના પ્રમુખ ઈમાદી ગોપીની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક ગ્રામીણ સંસ્થાના પ્રમુખને મહિલાએ ચંપલથી ફટકાર્યા બાદ લાત મારતા તે જમીન પર ફસકાઈ પડી હતી. આ ઘટનાનો વીડિયો રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. અહેવાલ મુજબ, જમીન વિવાદ પર વિરોધ પ્રદર્શન કરવા મહિલા તેના પરિવાર સાથે ગોપીના નિવાસસ્થાને પહોંચી હતી. મહિલાએ ગોપી પાસેથી ખરીદેલ જમીનનો કબજો સોંપવામાં વિલંબ થતા વિરોધ કર્યો હતો. મહિલાના પરિવારે ૧૦ માસ અગાઉ ગોપી પાસેથી ૩૩ લાખ રૂપિયામાં જમીન ખરીદી હતી અને ગોપી વધુ પ૦ લાખ રૂપિયાની માગણી કરી રહ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ વિસ્તારમાં જમીનના વધી રહેલા ભાવોને લક્ષમાં લઈને ગોપીએ વધારાની રકમ માંગી હતી. આ મુદ્દે ગોપી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલચાલ થઈ હતી. તેલંગાણાના નિઝામાબાદ જિલ્લાના ગોપીના નિવાસસ્થાને મહિલા જમીનનો માલિકી હકક માંગવા ગઈ હતી પરંતુ ગોપીએ ઈન્કાર કરતા મહિલાએ તેને ચંપલથી ફટકાર્યો હતો ત્યારબાદ ગોપીએ મહિલાને છાતીમાં લાત મારી દીધી હતી. મહિલાની ફરિયાદના આધારે ઈમાદી ગોપી વિરૂદ્ધ આઈપીસીની વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધી લેવામાં આવ્યો છે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) સાથે જોડાયેલ ગોપીએ મહિલા અને તેના પરિવાર વિરૂદ્ધ અપરાધ અને સંપત્તિના નુકસાનના આરોપ લગાવી ફરિયાદ દાખલ કરાઈ છે.