(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૦
અમરેલીના ટીંબલા ગામના પાટિયા પાસે ચાર વર્ષ પહેલાં કાર લઈને કોર્ટ મુદ્દત પતાવી આવી રહેલ અધિકારીની ગોળી મારી હત્યા કરવાના કેસમાં આજે અમરેલી કોર્ટે આરોપી રાજુ શેખવા તેમજ અન્ય એક શખ્સને નિર્દોષ છોડવાનો હુકમ કરતા આ ચકચારી હત્યાના કેસનો અંત આવ્યો હતો. મળતી વિગતો અનુસાર અમરેલીના ટીંબલા ગામ પાસે તારીખ ૧૯/૨/૨૦૧૩ના રોજ ગાંધીનગરના એફસીઆઈના અધિકારી બાબુભાઇ આંબાભાઈ જાદવ પોતાની કાર નં.જીજે-૧ એચકે-૨૦૦૩ લઈને ધારી ખાતે કોર્ટ મુદ્દતમાં આવેલ હોઈ અને ત્યાંથી બગસરા કોર્ટમાં મુદ્દત હોવાથી મુદ્દત પતાવી અમરેલી તરફ આવી રહ્યા હતા ત્યારે ટીંબલા ગામના પાટિયા પાસે તેમની કાર રોકાવી અધિકારી બાબુભાઇ જાદવના માથામાં ગોળી મારી હત્યા કરાઈ હતી તે દરમિયાન અધિકારી સાથેના રાજુભાઈ મોતીભાઈ દેસાઈએ અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસમાં હત્યા નિપજાવામાં રાજેન્દ્ર ઉર્ફે રાજુભાઈ જીવાભાઈ શેખવા (રહે.શરભંડા) તેમજ સલીમ દિલુભાઈ બેલીમ (રહે.લીલિયા) વાળાના નામ ખુલ્યા હતા અને આ કેસ આજે અમરેલીની ચોથા એડિશનલ સેસન્સ જજ તેમજ સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં ચાલી જતા જજ બી.ડી. ગોસ્વામીએ આરોપી રાજુ શેખવા તેમજ સલીમભાઇ દિલુભાઈ બેલીમને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરતા આ ચકચારી હત્યા કેસનો અંત આવ્યો હતો.
અમરેલી : અધિકારીની હત્યા કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

Recent Comments