(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રપ
વડાપ્રધાન મોદી લોકસભાની ચૂંટણી અગાઉ જે રીતે રાજ્યની શ્રેણીબદ્ધ મુલાકાતો લીધી હતી તે રીતે આ વર્ષે ફરી એકવાર ઉપરા-છાપરી રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે. તાજેતરમાં જ જન્મદિવસે મુલાકાત લીધા બાદ હવે રજી ઓક્ટોબરે તેઓ ફરી રાજ્યની મુલાકાતે આવી રહ્યા છે અને તે પછી ઓક્ટોબરના અંતમાં ફરી બીજી મુલાકાતનો તેમનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. આ મુલાકાતના ભાગરૂપે જ કેન્દ્રીય ગૃહ સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ કેવડિયા ખાતે આવ્યા છે અને તેમણે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને વડાપ્રધાનની મુલાકાતના કાર્યક્રમો તથા સુરક્ષા સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી. એટલે કે વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે કેવડિયામાં ૧૦૦ જેટલા ઉચ્ચ અધિકારીઓએ ધામા નાખ્યા હોવાનું જણાઈ આવે છે.
ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર જન્મ જયંતિ દિન તા.૩૧મી ઓકટોબરે કેવડીયામાં વિશ્વની સૌથી ઉંચામાં ઉચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ ચાલુ વર્ષે આગામી ઓકટોબર માસના અંતિમ ચરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુચિત મુલાકાત સંદર્ભે કેવડીયા કોલોની ખાતે યોજાનારા વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન ઘડી કાઢવા કેન્દ્રિય ગુહ સચિવ અજયકુમાર ભલ્લાએ દેશની ટોચની વિવિધ સુરક્ષા એજન્સીઓના વડાઓ-વરિષ્ઠ અધિકારીઓએ આજે કેવડીયા કોલોનીની મુલાકાત લઇ ગુજરાતના વહિવટી-પોલીસ વિભાગ તેમજ નર્મદા નિગમના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે કાર્યક્રમના સુચિત સ્થળોની મુલાકાત લઇ પ્રાથમિક ચર્ચા-વિચારણા સાથે જરૂરી વિચાર-વિમર્શ કર્યો હતો.
કેન્દ્રિય ગૃહ સચિવ તથા ઉચ્ચ અધિકારીઓ કેવડીયા કોલોની ખાતે બીએસએફના હેલિકોપ્ટર દ્વારા આવી પહોંચતા ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંઘ, સરદાર નર્મદા નિગમના જોઇન્ટ મેનેઝીંગ ડિરેકટર સંદીપકુમાર, ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા, પ્રવાસન સચિવ મમતા વર્મા, સહિતના અધિકારીઓએ સ્વાગત કરી તેમને આવકાર્યા હતા.
કેન્દ્રિય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સહિત સુરક્ષા એજન્સીઓના વડાઓની ટુકડીએ ત્યારબાદ કેવડીયા ફફૈંઁ સર્કિટ હાઉસ ખાતે પહોંચીને ગુજરાતના અને નર્મદા જિલ્લાના વહિવટી-પોલીસ વિભાગના વરિષ્ઠ સનદી અધિકારીઓ સાથે બેઠક યોજીને વડાપ્રધાનના સુચિત કાર્યક્રમની પ્રાથમિક તૈયારીઓ અને તેના પૂર્વ આયોજન સંદર્ભે સંબંધિ ચર્ચા-વિચારણા કરીને અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનો સાથે તેમણે માર્ગદર્શન પણ પુરૂ પાડયું હતું.