(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીટ સંકટનો મુદ્દો દેશના રાજકીય વર્તૂળોમાં છવાયેલો છે. બુધવારે મુંબઇ પોલીસ દ્વારા કર્ણાટકના પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમારની અટકાયત કરવા અંગે રાજકીય હોબાળો સર્જાયો. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને મળવા મુંબઇ પહોંચેલા શિવકુમાર પવઇની રિનેસન્સ હોટલમાં જવા માગતા હતા ત્યારે મુંબઇ પોલીસે તેમની અટકાયત કરી હતી. આ મુદ્દો સંસદમાં ઉઠાવીને કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપ સામે લોકતંત્રના ધજાગરા ઉડાવવાનો આરોપ મુક્યો છે. તેમણે કહ્યું કે કર્ણાટકની ચૂંટાયેલી કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારને ઉથલાવવાનું અત્યંત ઘૃણાસ્પદ ષડયંત્ર રચવામાં આવ્યું છે અને ગઠબંધન સરકાર ઉથલાવવા માટે શાસક પક્ષના લોકો કોઇ કચાસ બાકી રાખી રહ્યા નથી. ચૌધરીએ ગૃહમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં માર્શલ લો જારી છે, જ્યાં આ દેશના એક રાજ્યના પ્રધાનને હોટલમાં રૂમ બુક હોવા છતાં હોટલમાં જવા દેવામાં આવતું નથી. આવી રીતે લોકતંત્રના ધજાગરા ઉડાવનારા લોકો પાસેથી લોકતંત્રની ગરિમાનું જ્ઞાન સાંભળવાનું બેકાર છે. જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કર્ણાટકની રાજકીય કટોકટી માટે ભાજપની ટીકા કરતા જણાવ્યું કે એક તરફ ભાજપ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરે છે પરંતુ બીજીબાજુ આપણે જોઇ રહ્યા છીએ તે અલગ છે. પ્રત્યેક વ્યક્તિ જાણવા માગે છે કે કર્ણાટકમાં શું થઇ રહ્યું છે ? ભાજપે ગોવા, અરૂણાચલ પ્રદેશ અને મણિપુરમાં શું કર્યું ે ? તે લોકો જાણે છે. સિબ્બલે કહ્યું કે કર્ણાટકનો મુદ્દો હવે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે, તેથી આ મુદ્દો રાજ્યસભામાં ઉઠાવવાનું યોગ્ય છે.
કર્ણાટક સંકટ : કોંગ્રેસે ભાજપને જવાબદાર ઠરાવ્યો, અધીર ચૌધરી બોલ્યા : લોકતંત્રના ધજાગરા ઉડાવી રહ્યો છે શાસક પક્ષ

Recent Comments