(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪મી ફેબ્રુઆરીએ ભારતના બે દિવસના પ્રવાસે આવનારા છે જે તેમનો ભારતનો પ્રથમ પ્રવાસ હશે. તેમના આ પ્રવાસ પહેલાં જ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ટ્રમ્પના સ્વાગતમાં ૭૦ લાખ ભારતીયોના ભેગા થવાના દાવા અંગે મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે, શું ટ્રમ્પ ભગવાન રામ છે કે, તેમના સ્વાગતમાં ૭૦ લાખ લોકો ઊભા રહે ? ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પ્રવાસ અંગે કહ્યું છે કે, વડાપ્રધાન મોદીએ મને કહ્યું છે કે, એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી ૭૦ લાખ લોકો ભેગા થશે. આ સ્ટેડિયમ હાલ નિર્માણ થઇ રહ્યું છે પણ આ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ હશે. આ અત્યંત ઉત્સાહજનક છે મને આશા છે કે, તમે પણ તેને પસંદ કરશો. અધીર રંજન ચૌધરીએ પૂછ્યું છે કે, ટ્રમ્પના સ્વાગતમાં આટલા બધા ભારતીયો કેમ ભેગા થવા જોઇએ ? ટ્રમ્પ શું ભગવાન રામ છે ? તેઓ માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ છે. પછી તેમના માટે ૭૦ લાખ લોકોને ઊભા રાખવાની શું જરૂર છે ? અમે ભારતના લોકો તેમની પૂજા કરવા માટે ઊભા રહીશું નહીં. ટ્રમ્પ માત્ર પોતાના ફાયદા માટે ભારત આવી રહ્યા છે તેઓ વેપાર સોદો કરવા માંગતા નથી તેઓ અમેરિકી ઉદ્યોગો માટે સંરક્ષણ જાળવી રાખવા માંગે છે. અર્થાત અમેરિકાના બજારમાં અમને જવા દેવા માંગતા નથી. તેઓ જાહેરાત કરે છે કે, ભારત વિકસિત થઇ ગયું છે. ટ્રમ્પે કહ્યું છે કે, તેઓ સમજૂતીને આવનારા સમય માટે બચાવીને રાખે છે. અમે ભારત સાથે વેપાર સમજૂતી કરી શકીએ પરંતુ અત્યારે નહીં તેને બાદમાં કરીશું. ટ્રમ્પે કહ્યું કે, નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં આ કરાર થશે કે, નહીં તેની ખાતરી નથી. ભારત સાથે ચાલી રહેલી વેપાર મંત્રણામાં ટ્રમ્પ સરકારનું પ્રતિનિધિત્વ અમેરિકાના વેપાર મંત્રી રોબર્ટ લાઇટહાઇઝર કરી રહ્યા છે જેઓ ભારત પ્રવાસે આવે તેવી સંભાવના ખૂબ ઓછી છે.