(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક પર પ્રહારો કરતા જણાવ્યું કે, રાહુલ ગાંધી પર રાજકીય બાળક હોવાની ટિપ્પણી રાજ્યપાલને શોભતી નથી. રાજ્યપાલ પદની ગરિમાને શોભતી નથી, જેથી તેમને રાજ્યપાલના પદ માટે અયોગ્ય ઠેરવવા જોઈએ. રાજ્યપાલના આવા ગેરબંધારણીય નિવેદનોથી સ્થિતિ ખરાબ થશે. રાજ્યપાલ ભાજપના પ્રવક્તા તરીકે વર્તે છે. રાજ્યપાલે જમ્મુ-કાશ્મીર મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનને રાજકીય બાળકના વર્તન સમાન ગણાવ્યું હતું. રાજ્યપાલે રાહુલ ગાંધીને બાળક બતાવી વાત કરવાનો ઈનકાર કર્યો હતો. જેના પરિણામે પાકિસ્તાને યુનોમાં લખેલા પત્રમાં રાહુલ ગાંધીનો ઉલ્લેખ કર્યો છે. ચૌધરીએ કહ્યું કે, કાશ્મીર મુદ્દે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ છે. તેમણે ભાજપને વિનંતી કરી હતી કે, તમામ પક્ષોને કાશ્મીર મુદ્દે વિશ્વાસમાં લેવા બેઠક બોલાવવી જોઈએ.