એડિલેડ,તા.૭
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમે એડિલેડ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં બેટિંગ બાદ બોલિંગમાં પણ પોતાનો દબદબો દાખવ્યો છે. સ્પિનર રવિચન્દ્રન અશ્વિન અને પેસ બેટરી ઈશાન શર્મા તેમજ જસપ્રિત બુમરાહ સામે ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઈન અપ ધ્વસ્ત થઈ ગઈ હતી. ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતની પ્રથમ ઈનિંગ ૨૫૦ રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ ઈનિંગ માટે બેટિંગમાં ઉતરી હતી. જો કે દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૧૯૧/૭ રહ્યો હતો અને ભારતે પોતાની લીડ જાળવવામાં સફળતા મળી હતી. ઓસ્ટ્રેલિયન બેટિંગના ટોપ ઓર્ડરને અશ્વિન, ઈશાન અને બુમરાહની જોડીએ ધ્વસ્ત કરી દીધી હતી. દિવસના અંતે ટ્રાવિસ હેડ (૬૧) અને મિશેલ સ્ટાર્ક (૮) રન સાથે રમતમાં હતા. રવિચન્દ્ર અશ્વિને પોતાની ઓફ સ્પિન બોલિંગનો જાદુ પાથરતા ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઈશાન શર્મા અને બુમરાહે બે-બે વિકેટ ઝડપી પોતાનું યોગદાન આપ્યું હતું.
ભારતે પ્રથમ ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લેતા પ્રથમ ઈનિંગમાં પુજારાની (૧૨૩) સદીની મદદથી ૨૫૦ રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. જો કે ભારતીય બોલિંગ સામે ઓસ્ટ્રિલયન બેટ્‌સમેનો સતત દબાણમાં રહેતા એક પછી એક વિકેટ ગુમાવી દીધી હતી. જસપ્રીત બુમરાહ જ્યારે ભારતમાં બોલિંગ કરે છે તો ત્યારે તેની સ્પીડ ૧૪૨-૧૪૩ કિમી પ્રતિ કલાકની આસપાસ રહે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા જતાં જ તેની સ્પીડ ઘણી વધી ગઈ છે. એડિલેટ ટેસ્ટમાં તેણે આમ તો સરેરાશ ૧૪૨Kmphથી વધુની સ્પીડથી બોલિંગ કરી, પરંતુ આ દરમિયાન તેણે અનેકવાર ૧૪૫Kmphથી ઉપરની સ્પીડે બોલ નાખ્યો.
આ દરમિયાન તેણે એક બોલ તો ૧૫૩.૨૫Kmphની સ્પીડે નાખ્યો, જે આ મેચનો સૌથી ઝડપી બોલ છે. એડિલેડ ટેસ્ટમાં આટલી પેસ તો કોઈ ઓસ્ટ્રેલિયન બોલર પણ નથી મેળવી શક્યો. બુમરાહે આ બોલ ૮મી ઓવરમાં માર્કસ હેરિસની વિરુદ્ધ ફેંક્યો.