ભાજપ દ્વારા ચૂંટણીને લઈને સ્ટાર પ્રચારકોની પ્રાથમિક યાદી તૈયાર કરાઈ

(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર, તા.ર૭

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની કામગીરી ભાજપ અને કોંગ્રેસ પક્ષ તરફથી શરૂ કરી દેવાઈ છે. યુ.પી. સહિતના રાજ્યોની ચૂંટણીમાં જવલંત સફળતા મેળવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર ભાજપ દ્વારા હવે ગુજરાતની ચૂંટણી માટે રણનીતિ ઘડી કાઢવાની કામગીરી આરંભી દીધી છે. ંંતો તેની સાથે સાથે સ્ટાર પ્રચારકોની યાદીને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પછી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી સ્ટાર પ્રચારક તરીકે સૌથી આગળ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સ્ટાર પ્રચારકોના નામો સૌથી મોખરે પીએમ નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામો છે. આ અંગે ગુજરાત ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશના ૩૦૦ બેઠક જીત્યા પછી ભાજપે ગુજરાતમાં આ વખતે ૧પ૦ બેઠક જીતવાનો લક્ષ્ય રાખ્યો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ યોગીની સ્ટાર પ્રચારકોમાંની પસંદગીની વાતને પુષ્ટિ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપનાચ પ્રચારકો માટે પ્રારંભિક યાદી તૈયાર થઈ ગઈ છે. જેમાં યુપીના નવનિયુક્ત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા લેવામાં આવેલ ઝડપી નિર્ણયો અને કાર્યવાહીઓએ તેમને જનતાની વચ્ચે વધુ લોકપ્રિય બનાવી દીધા છે. આગામી તા.ર૯ માર્ચના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બે  દિવસના અંતે  ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આશા છે કે તેમની આ ગુજરાત મુલાકાત દરમ્યાન સ્ટાર પ્રચારકોની યાદીને પણ ફાઈનલ કરવામા આવી શકે છે.  ગુજરાત ભાજપના નેતાઓનું માનવું છે કે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા પછી ઝડપથી ખ્યાતિ મેળવનાર તરીકે ઉભરી આવ્યા છે. ત્યારે ચૂંટણી દરમ્યાન તેમના માટે હર હર યોગીના નારા લાગે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે, તેઓ આગળ જઈને મોદીનો વિકલ્પ બની શકે છે. તેવી શક્યતાઓ પણ રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે. ગુજરાતની ચૂંટણીના પ્રચાર માટેના સ્ટાર પ્રચારકોની પ્રાથમિક યાદી તૈયાર કરવામાં આવી છે.