માંગરોળ, તા.૧૮
તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કમ્પાઉન્ડમાં રાજ્યના આદિવસી વિભાગ દ્વારા, આદિજાતિ સમાજના લાભાર્થીઓને વિના મૂલ્યે નવા એલ.પી.જી. ગેસ કનેકશનોનું વિતરણ તથા રાજ્યના મહિલા આયોગ દ્વારા મહિલા સંમેલનનો કાર્યક્રમ રાજ્યના વન વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો.
સર્વશ્રી દિલીપસિંહ રાઠોડ, સાંસદ પ્રભુદાસ વસાવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે વિસ્તારના ધારાસભ્ય અને વનમંત્રી ગણપતસિંહ વસાવાએ અંગત રસ લઈ પોતાના વિભાગમાંથી એક કરોડ પાત્રીસ લાખ રૂપિયાની ફાળવણી કરી માંગરોળ તાલુકાના ૩૪૭૪ આદિજાતી લાભાર્થીઓને વિના મૂલ્યે એલપીજી ગેસ જોડાણ આપવામાં આવ્યા છે. આ પ્રસંગે મીશન-મંગલમ યોજના અંતર્ગત વિવિધ જૂથોને ચેકો અર્પણ કરાયા હતા. સુમુલ ડેરી, સુરતના સહકારથી પશુપાલનનો વ્યવસાય કરતી ત્રણ મહિલાઓનું સુંદર સિદ્ધિ પશુપાલન ક્ષેત્રે મેળવવા બદલ સન્માન કરાયું હતું. પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજના હેઠળ લાભાર્થીઓને પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. ધો.૧ર અને ધો.૧૦માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યુ હતું. આરોગ્ય વિભાગ દ્વારા દીકરી યોજનાના ૪૭ મહિલા લાભાર્થીઓને પાંચ-પાંચ હજાર રૂપિયાના બોન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકુલીયાએ પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું કે રાષ્ટ્રને આગળ લાવવાની શક્તિ મહિલાઓમાં રહેલી છે. રાજ્યમાં ૧૩ લાખ પ૦ હજાર સખી મંડળો છે જેમાં ૩પ લાખ મહિલાઓ જોડાયેલી છે.