(એજન્સી) તા.૧પ
એડીઆર તરફથી તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે રોજગારની સારી તકો, સ્વાસ્થ્ય સુવિધાઓ અને પીવાનું પાણી એ ત્રણ મુદ્દાઓમાં સામેલ છે જેને મતદાતાઓ પ્રાથમિકતાના મુદ્દા માને છે. મતદારો ઇચ્છે છે કે સરકાર આ ત્રણ ક્ષેત્રમાં પ્રાથમિકતા દાખવતા કામ કરે. નેશનલ ઇલેક્શન વોચ, એડીઆરના સંસ્થાપક સભ્ય જગદીપ છોકરે કહ્યું કે ઓક્ટોબરથી ડિસેમ્બર ર૦૧૮ વચ્ચે હાથ ધરવામાં આવેલા સર્વેમાં લોકોએ સરકારના પ્રદર્શનને સરેરાશથી નીચું બતાવ્યું હતું. સર્વેમાં પ૩૪ લોકસભા મતવિસ્તારોને આવરી લેવાયા હતા તેમાં ર૭૩૪૮૭ મતદારો જોડાયા હતા.
સર્વેમાં સામેલ થયેલા લોકોમાંથી ૪૬.૮૦ ટકા લોકોએ રોજગારને, ૩૪.૬૦ ટકા લોકોએ સ્વાસ્થ્ય સુવિધાઓને અને ૩૦.પ૦ ટકા લોકોએ પીવાના પાણીને મોટો મુદ્દો ગણાવ્યો હતો. તેના પછી ર૮.૩૪ ટકા લોકોએ સારા રોડ અને ર૭.૩પ ટકા લોકોએ ટ્રાન્સપોર્ટને સૌથી મોટા મહત્ત્વના મુદ્દા ગણાવ્યા હતા.
મતદારોની પ્રાથમિકતામાં આ મુદ્દાઓને પણ મહત્વનું સ્થાન મળ્યું છે. જગદીપ છોકરે કહ્યું કે એ ધ્યાનમાં રાખવું મહત્તવપૂર્ણ છે કે ખેતી સંબંધિત ગવર્નન્સના મુદ્દા મુખ્ય રીતે મતદારોની પ્રાથમિકતાઓની ટોપ ૧૦ લિસ્ટમાં સામેલ છે. જેમ કે ખેતી માટે પાણીની ઉપલબ્ધતા(ર૬.૪૦ ટકા) જે છઠ્ઠા ક્રમનો હતો, ખેતી માટે લોનની ઉપલબ્ધતા(રપ.૬ર ટકા) સાતમા ક્રમે હતો. ખેતી ઉત્પાદનોના સારા ભાવ આઠમાં ક્રમે (રપ.૪૧ ટકા) હતો અને નવમાં સ્થાને બિયારણ/ ફર્ટિલાઇઝર માટે ખેતી સબસિડી (રપ.૬૦ ટકા) હતો. આ ઉપરાંત ૧૦ ક્રમનો મુદ્દો સારી કાયદો વ્યવસ્થા/ પોલીસ તંત્ર (રપ.૯પ ટકા) સામેલ રહ્યા છે.
આ સર્વેમાં અનેક મુદ્દાઓને આવરી લેવાયા હતા જેમ કે શાસનના અનેક પાસાઓ પર મતદારોની પ્રાથમિકતા અને એ મુદ્દાઓ પર સરકારના પ્રદશર્ન પર વોટરોનું રેટિંગ અને વોટરને પ્રભાવિત કરનારા પેરામિટર સામેલ હતા.