(એજન્સી) તા.૧
કેરળમાં શબરીમાલા મંદિરના ગર્ભગૃહમાં મહિલાઓના પ્રવેશને લગતા કેસની સુનાવણી સુપ્રીમકોર્ટે ૨૬ જુલાઇના રોજ શરૂ કરી હતી. સિનિયર એડવોકેટ દ્વારા રજૂઆત કરાયા બાદ મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળની બેંચે ઇન્ટરવિનર ઓર્ગેનાઇઝેશન પીપલ ફોર ધર્મ વતી હાજર રહેલા વકીલ જે સાઇ દીપકને પોતાની રજૂઆત કરવા માટે ૧૦ મિનિટનો સમય આપ્યો હતો કારણ કે અદાલતમાં લંચ માટે વિરામ પડનાર હતો. તેના એક દિવસ અગાઉ બે પ્રતિવાદી અને ઇન્ટરવિનર વતી હાજર રહેલા એડવોકેટ દીપકે પોતાની દલીલો રજૂ કરવા માટે એટલો જ સમય માગ્યો હતો.
૧૨.૫૪ કલાકે એટલે કે અદાલતના વિરામના છ મિનિટ પહેલા તેમણે એક સરળ નિવેદન સાથે પોતાની દલીલો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મંદિરે પોતાના અધિકાર માટે ભારપૂર્વક રજૂઆત કરી છે. મહિલાઓએ તેમના અધિકાર માટે ભારપૂર્વક રજૂઆત કરી છે પરંતુ કોઇએ શબરીમાલામાં અંદર બિરાજતા દેવી દેવતાના અધિકારો અંગે રજૂઆત કરી નથી અને દેવીદેવતાના વકીલ કોઇ પણ રીતે પોતાના અસીલના અધિકારો રજૂ કરવા માગે છે. પાંચ મિનિટમાં તેમણે એવી દલીલ કરી કે બેંચે લંચ બાદ તેમને વધુ સમય ફાળવ્યો.
આમ વધુ સમય સાથે એડવોકેટ દીપકને સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિઓ દ્વારા પ્રશંસા પ્રાપ્ત થઇ. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું કે દીપકે વાચાળતા અને તર્કબદ્ધ સાથે પ્રભાવક દલીલ રજૂ કરી. લંચ બાદ જ્યારે અદાલત ફરી મળી ત્યારે દીપકે બે કલાક સુધી પોતાની દલીલો રજૂ કરી. તેમણે જણાવ્યું હતું કે શબરીમાલાના લોર્ડ ઐયપ્પાને ભારતના બંધારણના અનુચ્છેદ ૨૧, ૨૫ અને ૨૬ હેઠળ અધિકારો છે અને અનુચ્છેદ ૨૫ હેઠળ નષ્ઠિક બ્રહ્મચારી (સાશ્વત બ્રહ્મચર્ય) રહેવાનો અધિકાર છે અને તેથી મંદિરમાં મહિલાઓના પ્રવેશને નિયંત્રિત રાખવાની પ્રથા ચાલુ રાખવી જોઇએ. દીપકે અદાલતમાં આ અંગે ૫૦ પાનાનું લેખિત નિવેદન રજૂ કર્યુ હતું કે જેમાં તેમણે આ સંદર્ભમાં અનેક ચુકાદા ટાંક્યા હતા. ઉપરોક્ત ચુકાદા પરથી સ્પષ્ટ છે કે લોર્ડ ઐયપ્પા પણ નામદાર અદાલતે માન્યા રાખ્યા મુજબ હિંદુ કાયદા હેઠળ જ્યુરીસ્ટિક પર્સન છે અને તેથી લોર્ડ ઐયપ્પાને અનુચ્છેદ ૨૫(૧), ૨૬ અને ૨૧ હેઠળ વ્યક્તિ તરીકેના અધિકારો છે. લોર્ડ ઐયપ્પા પોતાના સ્થળના માલિક તરીકે અનુચ્છેદ ૨૧ હેઠળ પ્રાઇવસીનો અધિકાર ધરાવે છે જેમાં પોતાનું બ્રહ્મચારી સ્વરૂપ જાળવી રાખવાનો અને નૈષ્ઠિક બ્રહ્મચર્યના વ્રતનું પાલન કરવાના અધિકારનો સમાવેશ થાય છે. આમ વકીલ સાઇ દીપકે શબરીમાલાના લોર્ડ ઐયપ્પાના બ્રહ્મચર્યના અધિકારની તરફેણમાં સુપ્રીમકોર્ટ સમક્ષ જોરદાર દલીલો કરી હતી.