અમદાવાદ, તા.૩૧
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ હાંસિયામાં ધકેલાયેલા ભાજપના એક સમયના લોહપુરૂષ લાલકૃષ્ણ અડવાણી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે દેખાયા ન હોતા. લાલકૃષ્ણ અડવાણી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે સંસદમાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ આપતા નજરે પડ્યા હતા. ભાજપે જ અડવાણીને છોટે સરદાર અને લોહપુરૂષનુ બિરૂદ આપ્યુ હતુ. એક તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન સહિત ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ લોકાર્પણ સ્થળે હાજર રહતા ત્યારે ગુજરાતમાં ગાંધીનગરના સાંસદ અડવાણીની ગેરહાજરી ભાજપના કાર્યકરોમાં પણ ચર્ચાનો વિષય બની હતી. નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં ભાજપનું શાસન આવ્યા બાદ અડવાણીને પાર્ટીના માર્ગદર્શક મંડળમાં સ્થાન અપાયુ છે. એ પછી અડવાણી જાહેર કાર્યક્રમોમાં ઓછા દેખાય છે. રસપ્રદ વાત એ છે કે, ૨૦૧૩ની ૩૧મી ઓક્ટોબરે જ્યારે આ જ સ્થળે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ કર્યો ત્યારે અડવાણી હાજર હતા અને બંનેએ એક સાથે દિપ પ્રાગટ્ય કર્યું હતું. તે વખતે લાલકૃષ્ણ અડવાણીનું પાર્ટીમાં વજન પડતુ હતુ અને નરેન્દ્ર મોદીની પીએમ પદના ઉમેદવાર તરીકે જાહેરાત થઈ નહોતી.