જામનગર,તા.૧૦
જામનગરમાં એડવોકેટ કિરીટ જોષીની હત્યાની એસપી પી.બી. સેજુળના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી તપાસ દરમ્યાન ગઈકાલે બપોરે રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાએ આગળની તપાસ અમદાવાદની ક્રાઈમ બ્રાંચને સોંપી આપવાનો આદેશ કર્યા પછી ગઈકાલે સાંજે ભોગ બનનારના પરિવારે શહેર ધારાસભ્ય આર.સી. ફળદુને તપાસ એસપી પાસે જ રાખવા દેવા અને તેઓની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ હોવાનું મંતવ્ય વ્યક્ત કરતા ગઈકાલે રાત્રે મુખ્ય પોલીસ અધિકારીએ કેસની તપાસની બાગડોર એસપી સેજુળને સંભાળી લેવાનો આદેશ કરતા હવે આ કેસની તપાસ ખુદ એસપીએ હાથ ધરી છે. પોલીસે કેટલાક શકમંદોની ગેરહાજરીને લક્ષમાં લઈ બીજા કેટલાક પાસા પણ ચકાસવાનું શરૂ કર્યું છે.
બનાવ પછીની મિનિટોથી આરંભાયેલી પોલીસ તપાસ દરમ્યાન એસપીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે સંખ્યાબંધ શખ્સોને પૂછપરછ માટે બોલાવી લીધા હતા તેની સાથે સમગ્ર રાજ્યમાં એક વકીલની હત્યાના આ બનાવે ચકચાર પ્રસરાવતા અમદાવાદથી એટીએસની ટૂકડી તથા ક્રાઈમ બ્રાંચના ઓફિસરો પણ જામનગર દોડયા હતા.
તમામ ટૂકડીઓનું સંકલન કરી એસપી સેજુળે આઠ ટૂકડીઓની રચના કરી હત્યાના બનાવમાં સંડોવાયેલા બન્ને શખ્સોને પકડી પાડવા માટે જુદી જુદી દિશામાં રવાના કરી હતી જેમાં હત્યારાઓના કેટલાક સગડ મળ્યા હતા.
તે દરમ્યાન ગઈકાલે બપોરે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ ઉપરોક્ત હત્યાના બનાવની તપાસ જામનગર પોલીસ પાસેથી લઈને અમદાવાદની ક્રાઈમ બ્રાંચને સોંપી આપવાનો હુકમ કર્યો હતો. આ હુકમની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચના નાયબ પોલીસ કમિશ્નર તેમજ જામનગરના પોલીસ અધિક્ષકને જાણ કરવામાં આવી હતી. એસપી સેજુળે આજે કરેલી વાતચીતમાં જણાવ્યા મુજબ તેઓએ અત્યાર સુધીમાં હત્યા સાથે સંકળાયેલા કેટલાક પાસાઓની ઝીણવટભરી તપાસમાં મળી આવેલા તથ્યો ઉપરાંત તપાસના કેટલાક નવા શીરાઓને ફંફોળવાનું આરંભ્યું હોવાનું ઉમેર્યું છે.