(એજન્સી) તા.ર૦
રામલલ્લા તરફથી સુપ્રીમકોર્ટમાં કેસ લડનારા કે.પરાસરન સહિત વકીલોની સંપૂર્ણ ટીમ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા જશે. રામલલ્લા વિરાજમાનને મંગળવારે સુપ્રીમકોર્ટના ચુકાદાની પ્રમાણિત નકલ મળી ગઇ છે. વકીલોની ટીમ ચુકાદાની પ્રમાણિત નકલ પોતાની સાથે લઇ જશે. રામલલ્લાના દર્શન માટે ફક્ત વકીલ જ નહીં તેમના પરિવારજનો પણ સાથે જઈ રહ્યાં છે. આ બધા રર-ર૩ નવેમ્બરે અયોધ્યા પહોંચી શકે છે. પૂર્વ એટોર્ની જનરલ કે.પરાસરને ૯ર વર્ષની ઉંમરે અનેક દિવસ સુધી ઊભા રહીને રામલલ્લા તરફથી સુપ્રીમકોર્ટમાં દલીલો કરી હતી. કોર્ટે તેમને બેસવાની છૂટ આપી હતી પણ તે માન્યા નહોતા. પરાસરનને રામમાં અતૂટ શ્રદ્ધા છે. સૂત્રો જણાવે છે કે ઘણા સમયથી અયોધ્યા જઇને તે રામલલ્લાના દર્શન કરવા માગતા હતા. ચુકાદો અનામત રખાયા બાદ જ તેઓ અયોધ્યા જવા માગતા હતા પણ અમુક વ્યસ્તતાઓને લીધે તેઓ જઇ ના શક્યા. હવે તે રર કે ર૩ નવેમ્બરે ત્યાં પહોંચી જશે. પરાસરન તેની ત્રણ પેઢીઓ સાથે ત્યાં પહોંચશે. તેમની સાથે તેમનો દીકરો, દીકરી અને દીકરાના બાળકો તથા તમામ પૌત્ર-પૌત્રીઓ સાથે આવશે. તેમના પરિવારના લગભગ ૧૮ લોકો અયોધ્યા જઇ રહ્યાં છે. તેમાં તેમના પુત્ર અને પૂર્વ સોલિસીટર જનરલ મોહન પરાસરન પણ સામેલ છે. સૂત્રો મુજબ પરાસનનો સંપૂર્ણ પરિવાર સીધો ચેન્નઇથી લખનૌ અને પછી અયોધ્યા જશે. પરાસરન ઉપરાંત રામલલ્લા તરફથી દલીલો કરનારા વરિષ્ઠ વકીલો સીએસ વૈદ્યનાથન, વરિષ્ઠ વકીલ પીએસ નરસિમ્હા, પીવી યોગેશ્વરન, વર્ધન સિંહ અને શ્રીધર પોટા રાજુ પણ પોતાના પરિવાર સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા જશે. વકીલ શ્રીધર પોટા રાજુ ભક્તિવર્ધન અને પીવી યોગેશ્વરન રર નવેમ્બરે સીધા દિલ્હીથી લખનૌ અને પછી અયોધ્યા જશે.
રામલલ્લા વતી કેસ લડનારા વકીલ પરાસરન અયોધ્યાની મુલાકાતે જશે, દર્શન પણ કરશે

Recent Comments