અમરેલી, તા.૬
અમરેલીના મહિલા વકીલ કાચા કામના ૩ કેદીઓને છોડાવવાના હુકમ સાથે જિલ્લા જેલ ખાતે ગયેલ જે દરમ્યાન મહિલા વકીલ ફોન ઉપર વાતચીત કરતા હોવાથી જેલરે બહાર જતા રહેવાનું કહેતા મહિલા વકીલને તે બાબતે જેલર સાથે માથાકૂટ થતા મહિલા વકીલે જેલરને અપશબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરતા અને જેલમાં મોબાઈલ ફોન ઉપર વાતો કરવા સબબની જેલરે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચેલ છે. જેલર અનુસુચિત જાતીના હોવાથી જાતી પ્રત્યે બદનામ કરતા એટ્રોસિટીની પણ ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર અમરેલીની કોર્ટમાં વકીલાત કરતા પારૂલબેન પી. ઢોલરીયા તા. ૪/૧રના રોજ કોર્ટમાંથી કાચાકામના ૩ કેદીઓના છોડાવા માટેના હુકમો લઈ જિલ્લા જેલ ખાતે જમા કરાવા ગયેલ ત્યારે મહિલા વકીલ પારૂલબેનને ફોન આવતા ફોનમાં વાતચીત કરતા હતા જેથી જિલ્લા જેલના જેલર એન.પી.રાઠોડે વકીલ ઢોલરીયાને ઊંચા અવાજે ફોનમાં વાત કરતા હોવાથી જેલની બહાર જતા રહેવાનું કહેલ જેથી મહિલા વકીલ પારૂલબેનને જેલર રાઠોડ સાથે માથાકુટ થયેલ અને તે બાબતે પારૂલબેન ઢોલરીયા ઉશ્કેરાઈ જઈ જેલર રાઠોડને અપશબ્દો બોલી ફરજમાં રૂકાવટ કરેલ અને જેલમાં મોબાઈલ લાવવો પ્રતિબંધ હોઈ તેમ છતાં જેલમાં મોબાઈલ સાથે પ્રવેશ કરતા અને જેલર અનુજાતિના હોવાનું માલૂમ હોવાથી જ્ઞાતિ વિષે અપમાન કરતા જાનથી મારી નાખવાની ધમકી આપતા જેલર એન.પી. રાઠોડે મહિલા વકીલ પારૂલબેન ઢોલરીયા સામે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચેલ છે.