(એજન્સી) કઝાકિસ્તાન, તા.૨૭
કઝાકિસ્તાનના અલમાટી એરપોર્ટની પાસે શુક્રવારે સવારે એક વિમાન ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ ક્રેશ થઇ ગયું છે. એરપોર્ટે જણાવ્યું છે કે, વિમાનમાં ૯૫ યાત્રીઓ અને ૫ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. અત્યાર સુધી ૧૫ યાત્રીઓનાં મોત થયા હોવાના એહવાલ પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ટેક ઓફ થયા પછી સ્થાનિક સમય મુજબ સવારે ૭.૨૨ વાગ્યે વિમાને તેનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને બે માળની બિલ્ડિંગ સાથે ટકરાઈ ગયું હતું. વિમાનમાં ૧૦૦ યાત્રીઓ સવાર હતા. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ, બેક એરલાઈનનું વિમાન અલમાટી શહેરથી નૂર સુલ્તાન જઇ રહ્યું હતું.
કઝાકિસ્તાનના અલમાટી એરપોર્ટથી વિમાન ઉડાન ભરી હતી પરંતુ થોડા સમય બાદ એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો અને વિમાન ક્રેશ થઇ ગયું હતું. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં બિલ્ડિંગના કાટમાળની નીચે દબાયેલી મહિલા એમ્બયુલન્સ માટે બૂમો પાડતી જોવા મળ્યા હતા. અધિકારીઓ એ જણાવ્યું કે આ પ્લેન ક્રેશની તપાસ કરવામાં આવશે. તેના માટે સ્પેશિયલ કમિશનની રચના કરવામાં આવશે. જેથી પ્લેન ક્રેશનું કારણ જાણી શકાય.
આ પહેલાં ૨૯ જાન્યુઆરી ૨૦૧૩માં કોકસૈતો શહેરથી આવી રહેલું એક પેસેન્જર પ્લેન અલમાતી પાસે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ૨૦ લોકોના મોત થયા હતા. ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ પણ દેશના દક્ષિણ ભાગમાં સૈન્ય વિમાન ક્રેશ થઈ ગયું હતું, જેમાં ૨૭ લોકોનાં મોત થયા હતા.