(એજન્સી) બર્લિન, તા.૧પ
પશ્ચિમ જર્મનીના હેજે શહેરમાં રવિવારે એક નાનું વિમાન લોકોની ભીડ ઉપર ક્રેશ થઈ જતાં એક બાળક સહિત કુલ ત્રણ લોકોનાં મોત થયાં છે. આ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. આ ચોંકાવનારી ઘટના ફુલ્ડા શહેરની પાસે આવેલા વારકૂપ પર્વત પરના એરપોર્ટ નજીક બની હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વેસરકૂપેમાં લેન્ડિંગની કોશિશ કરતી વખતે પાયલટે વિમાન પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. લેન્ડિંગ વખતે થયેલી કોઈ ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પાયલટે બે વખત વિમાન લેન્ડ કરાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે સફળ થયો ન હતો. સંતુલન ગુમાવ્યા બાદ વિમાન લોકોની ભીડ ઉપર તૂટી પડ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, પ્લેન જ્યારે લેન્ડિંગ કરી રહ્યું ત્યારે તે જમીનથી ઘણી ઊંચાઈ પર હતું, જેના કારણે તે રન-વે પર ઊતરી શક્યું ન હતું અને ભીડ ઉપર ક્રેશ થઈ ગયું હતું. પ્લેનમાં સવાર ત્રણેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. અનેક લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જર્મનીના વડાપ્રધાન બોફિયર અને આંતરિક બાબતોના પ્રધાન પીટર બેથે પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પ્રાઈવેટ કંપનીની માલિકીનું આ વિમાન ચોક્કસ ક્યા કારણે ભીડ ઉપર ક્રેશ થયું તેની હાલ તપાસ ચાલી રહી છે.