(એજન્સી) તા.૩૧
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગૃહમંત્રાલયની ઈમારત નજીક જ આતંકી હુમલો થયાના અહેવાલ મળ્યા છે. માહિતી અનુસાર ગૃહ મંત્રાલયની ઈમારત નજીક જ ગોળીબાર અને વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. કેટલાક દિવસો પહેલા તાલિબાની આતંકી સંગઠને રાજધાની કાબુલમાં સૈન્ય અને ગુપ્ત કેન્દ્રોને નિશાન બનાવવાનો સંકલ્પ લીધો હતો. કોઇને નુકસાન થયા વિશે હાલ કોઈ માહિતી મળી નથી. આ હુમલામાં કોઈપણ આતંકી સંગઠને હજુ જવાબદારી સ્વીકારી નથી. ગૃહવિભાગના પ્રવક્તા નજીબ દાનિશે તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ગૃહમંત્રાલયના ભવનની પ્રથમ સુરક્ષા ચોકી પર વિસ્ફોટ અને ગોળીબાર થવાની ઘટનાની પુષ્ટી કરીએ છીએ. જોકે હાલમાં સુરક્ષાદળો સ્થિતિનું આકલન કરી રહ્યાં છે. પોલીસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તાલિબાની અને ઈસ્લામિક સ્ટેટ સમૂહે કાબુલ પર એક પછી એક હુમલા કરવાનું જાણે નક્કી કરી લીધું હોય તેમ પવિત્ર રમઝાન મહિનામાં પણ આતંકી હુમલા કરવામાં આવી રહ્યાં છે. ગત અઠવાડિયે તાલિબાને કાબુલના રાજદૂતો સાથે સૈન્ય અને ગુપ્ત કેન્દ્રોથી દૂર રહેવા અંગે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે આગામી દિવસોમાં વધુને વધુ હુમલા કરવામાં આવી શકે છે. જોકે તાજેતરના હુમલા અનુસાર બુધવારે એકાએક ગોળીબારનો અવાજ સંભળાયો હતો. જોકે ગૃહમંત્રાલય દ્વારા આ હુમલામાં એક જવાન ઘવાયાની પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે મહત્વની વાત એ હતી કે અથડામણને કારણે આતંકી હુમલાખોરો ઈમારતમાં પ્રવેશી શક્યા ન હતા અને તેમને બહાર જ અટકાવી રાખવામાં સફળતા મળી હતી. જોકે દિવસની શરૂઆતમાં જ તાલિબાન આતંકીઓએ દક્ષિણ અફઘાનિસ્તનમાં એક પોલીસ સ્ટેશન ઉપર પણ હુમલો કર્યો હતો. પુલી અલામ ખાતે વિસ્ફોટક ભરેલા વાહન સાથે પોલીસ સ્ટેશન પર હુમલો કરાયો હતો. લોગર પ્રાંતમાં આ ઘટના બની હતી. ત્યારબાદ ત્રણ આતંકીઓ પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા અને સુરક્ષાદળો સાથે તેમની અથડામણ સર્જાઈ હતી. અડધા કલાક સુધીની લડાઈ બાદ ત્રણેય આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા. જોકે આ દરમિયાન ત્રણ પોલીસ જવાન અને ત્રણ ટ્રાફિક પોલીસ માર્યા ગયા હતા. જોકે આ હુમલામાં આઠ નાગરિકો પણ ઘવાયા હતા. જોકે કંધારમાં પણ કાર બોમ્બ વિસ્ફોટ કરાયો હતો. જેમાં ત્રણ મિકેનિક મૃત્યુ પામ્યા હતા. ૧૦ અન્ય જણાં ઘવાયા હતા.