(એજન્સી) કાબુલ, તા.૬
અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત હેરાતમાં પોલીસ ચેકપોસ્ટ પર થયેલ હુમલામાં એક પોલીસકર્મી સહિત ચાર નાગરિકોનાં મોત નિપજ્યાં છે જ્યારે અન્ય ઘટનાઓમાં બે અન્ય લોકો પણ માર્યા ગયા છે. હેરાત પોલીસ પ્રવક્તા અબ્દુલ અહદ વલી જાદેના જણાવ્યા અનુસાર, પોલીસ ચેકપોસ્ટ પર હુમલો કરાનારા હુમલાખોરોમાંથી પણ છ લોકોને ઠાર મરાયા છે. અહેવાલ મુજબ, હેરાતમાં પોલીસ ચેકપોસ્ટ પરના હુમલાની કોઈપણ જૂથે જવાબદારી સ્વીકારી નથી પરંતુ સમગ્ર પ્રાંતમાં અફઘાન-તાલિબાનનો પ્રભાવ છે. અફઘાન-તાલિબાનીઓ તરફથી અવાર-નવાર પ્રાંતમાં સુરક્ષા દળોને નિશાન બનાવાય છે જેને પરિણામ સ્વરૂપ ડઝનબંધ લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજીબાજુ પૂર્વીય પ્રાંત નાંગરહારમાં પણ સ્થાનિક ટીવીના ડાયરેક્ટરનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. પ્રાંતના ગવર્નરના પ્રવક્તા અતાઉલ્લાહ ખોગ્યાનીએ જણાવ્યું કે, અપહરણ કરાયેલ ટીવી ડાયરેક્ટરની એન્જિનિયર જેલમિયા તરીકે ઓળખ થઈ છે. પક્તિયા પ્રાંતના પોલીસ પ્રવક્તા શાહ મુહમ્મદ આરયાન મુજબ આતંકવાદીઓ સાથેના સંબંધમાં શંકાસ્પદ એક સરકારી કર્મીનું અમેરિકી ડ્રોન હુમલામાં મોત નિપજ્યું છે.