(એજન્સી) કાબૂલ, તા.ર૯
અફઘાનિસ્તાનના પૂર્વ ગજની પ્રાંતમાં પોલીસ તપાસ ચોકીઓ પર તાલિબાનોએ અલગ-અલગ હુમલામાં ૯ પોલીસ અધિકારીઓનાં મોત થયા હતા. આ માહિતી એક અધિકારીએ જ આપી હતી. ક્ષેત્રીય ગવર્નરના પ્રવક્તા આરીફ નૂરીએ જણાવ્યું કે, શનિવારે વહેલી સવારે તાલિબાનના લડાકુઓએ ર પોલીસ તપાસ ચોકીઓ પર હુમલો કર્યો હતો જેમાં ર પોલીસકર્મી પણ ઘવાયા હતા. તેમણે જણાવ્યું કે, સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ૬ આતંકવાદીઓને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. તાલિબાને આ ભીષણ હુમલાની જવાબદારી પણ સ્વીકારી લીધી છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદના જણાવ્યાનુસાર આ હુમલામાં ૧૪ પોલીસકર્મીઓનાં મોત થયા છે જેમાં ચેકપોઈન્ટ્સના બે કમાન્ડરોનો પણ સમાવેશ થાય છે. જો કે અફઘાનિસ્તાનના અધિકારીઓએ પોલીસના ૯ જવાનો શહીદ થવાના સમાચારની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનની સેના અને પોલીસ તેમના દેશમાં અમેરિકા તથા નાટોની સહયોગી સેના તૈનાત થઈ છે ત્યારથી આજ સુધી ભયંકર સંઘર્ષનો સામનો કરી રહી છે. જો કે અફઘાનિસ્તાનમાં હવે આઈએસના આતંકીઓની હાજરી પણ વધતાં તેની મુશ્કેલી ઘટવાને બદલે વધતી જઈ રહી છે. બીજીબાજુ પૂર્વ લોગર પ્રાંતમાં એક હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં એક અમેરિકી સર્વિસ મેમ્બરના મોતના અહેવાલ મળ્યા છે. આ માહિતી અમેરિકી સેનાએ આપી હતી. જો કે આ દુર્ઘટનામાં અન્ય છ લોકો ઘવાયા હોવાની પણ માહિતી મળી છે જે ક્રુ મેમ્બર હતા. હાલમાં તેમને મેડિકલ સારવાર આપવામાં આવી રહી છે. અમેરિકાના જનરલ જોન નિકોલસને કહ્યું કે, અમારા સૈનિકોનાં મોત બદલ અમે દુઃખ અનુભવી રહ્યા છીએ. તેમના પરિવારો સાથે અમારી સહાનુભૂતિ છે.
પૂર્વ અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ ૯ પોલીસ અધિકારીઓને શહીદ કર્યો

Recent Comments