International

અફઘાનિસ્તાનના કાબુલમાં આવેલા એક ટીવી સ્ટેશન પર બંદૂકધારીઓએ હુમલો કર્યો : સંખ્યાબંધ મોતનો ભય

(એજન્સી) કાબુલ, તા.૭
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બંદૂકધારીઓએ એક સ્થાનિક ટીવી સ્ટેશન પર હુમલો કર્યો છે. સમાચાર અનુસાર તેમાં ઘણા લોકો માર્યા ગયા છે સાથે જ કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે હુમલાખોર શમસાદ ટીવીના મુખ્યાલયમાં ગ્રેનેડ ફેંકતા પ્રવેશ્યા હતા અને ત્યારબાદ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલાથી બચીને નીકળેલા એક પત્રકારે જણાવ્યું કે, બંદૂકધારીઓ હજી પણ ઈમારતમાં છે અને ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે તેણે કહ્યું કે મારા સહકર્મીઓ માર્યા ગયા છે અને ઘણા ઘાયલ પણ થયા છે. હું કોઈપણ રીતે ભાગવામાં સફળ રહ્યો છું. ટીવી સ્ટેશનના મુખ્યાલયમાં ૧૦૦થી વધુ કર્મચારીઓ હોવાનું જણાવાઈ રહ્યું છે. હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ હુમલાની પાછળ કોણ છે. પોલીસે જણાવ્યા અનુસાર હુમલાખોરો સહિત ઘણા લોકો માર્યા ગયા છે. કાબુલ પોલીસના પ્રવકતાએ જણાવ્યું છે કે, પોલીસ દળોની ગોળીથી એક હુમલાખોરનું મોત નિપજ્યું છે. પોલીસ દળ ઈમારતને પોતાના નિયંત્રણમાં લેવાની કોશિશ કરી રહ્યા છે. હુમલો થયા બાદ તરત જ શમસાદ ટીવીનું પ્રસારણ બંધ થઈ ગયું હતું. તાજેતરના મહિનામાં તાલિબાને કાબુલમાં ઘણા હુમલાઓ કર્યા છે. આ હુમલાઓની જવાબદારી કથિત ઈસ્લામિક સ્ટેટ પણ લેતું રહ્યું છે. મીડિયા કર્મીઓ અને પત્રકારો માટે અફઘાનિસ્તાન દુનિયાના ખતરનાક દેશોમાંનો એક છે.