(એજન્સી) કાબુલ,તા.૩૦
અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં એક અઠવાડિયામાં બીજો આતંકી હુમલો થયો છે. સમાચાર મુજબ મંગળવારે સવારે ૧૦ વાગ્યે અમેરિકી દૂતાવાસની બહાર એક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં પ લોકોનાં મોત થયા હતા જ્યારે ૯થી વધુ લોકો ઘવાયાના સમાચાર મળ્યાં છે. અધિકારીઓએ આ હુમલાની પુષ્ટિ કરતાં કહ્યું કે દરેક ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે આ હુમલામાં મૃત્યુઆંક પણ વધી શકે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે આ એક આત્મઘાતી વિસ્ફોટ હોઇ શકે છે.
ટોલો ન્યૂઝના જણાવ્યા મુજબ અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે આ ઘટના કાબુલ બેન્કની એક શાખાની બહાર બની હતી. જે મેસોડ સર્કલ નજીક આવેલી છે. આ રાજકીય ક્વાર્ટર અને અમેરિકી દૂતાવાસની ખૂબ જ નજીક છે. આજુબાજુના ભવનોને પણ ભારે નુકસાન થયું છે. આ વિસ્ફોટની જવાબદારી સ્વીકારતાં તાલિબાનના પ્રવક્તા જબિઉલ્લાહ મુજાહિદે કહ્યું કે આ પત્રકારો માટે પણ એક સંદેશ સમાન છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં પણ આગામી ઇદ-ઉલ-અઝહાને લઇને તમામ મુસ્લિમ સમુદાયના લોકો ભારે ઉત્સાહમાં છે અને તેઓ પવિત્ર કુરબાનીની પવિત્ર વિધિ અદા કરવા માટે તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે આવા વિસ્ફોટને કારણે લોકોમાં ભય પ્રસરી ગયો છે. હવે ત્યાં ઇદ-ઉલ-અઝહા નિમિત્તે ૧૦ દિવસની રજાઓ શરૂ થઇ ગઇ છે. અગાઉ પણ કાબુલમાં હેલમંડ પ્રાંતમાં એક બેન્કની બ્રાન્ચ નજીક જ હુમલો કરાયો હતો જ્યારે ર૯થી વધુ લોકોને મોતનો કાળ ભરખી ગયો હતો. તેમાં મોટાભાગે નાગરિકો સામેલ હતા.