(એજન્સી) અફઘાનિસ્તાન, તા.૩૧
અફઘાનિસ્તાનના પૂર્વ ગજની પ્રાંત ખાતે થયેલ તાલિબાની હુમલામાં નવ પોલીસ જવાનના મોત થયા હતા. પ્રાંતના ગવર્નર પ્રવકતા આરીફ નૂરીએ જણાવ્યું કે પોલીસ અને આતંકવાદી એકબીજા સામે ગોળીબાર કરી રહ્યા હતા. જેમાં આતંકીના સાતના મોત થયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે, આ લડાઈમાં એક પોલીસ ઓફિસર પણ ઘાયલ થયા હતા. ર૪ કલાકની અંદર તાલિબાનનો આ બીજો હુમલો હતો. રવિવારે મોડી રાત્રે જાબુલ પ્રાંત ખાતે પણ આતંકવાદીઓએ પોલીસ ચેક પોઈન્ટને નિશાન બનાવ્યો હતો. અથડામણ થયા બાદ ૬ પોલીસ ઓફિસરના મોત અને આઠ પોલીસ જવાન ઘાયલ થયા હતા. સ્થાનિય ઓફિસરે કહ્યું કે આઠ આતંકવાદીઓ પણ આ લડાઈમાં માર્યા ગયા હતા અને ૧ર ઘાયલ થયા હતા. આ દરમિયાન સોમવારે ઉત્તરીય બાધલાન પ્રાંતમાં બજારમાં વિસ્ફોટ થયા હોવાની ખબર મળી હતી જેમાં ૧૩ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી હજી સુધી કોઈએ સ્વીકારી ન હતી. તાજેતરમાં થયેલા હુમલાઓમાં મોટાભાગે દક્ષિણ અને પૂર્વ અફઘાનિસ્તાનના આતંકી જૂથોનો હાથ છે. અફઘાનિસ્તાન હજી પણ સતત આતંકી હુમલાઓથી ઝઝૂમી રહ્યું છે. જેના કારણે ત્યાં હજી પણ ઘણા વિદેશી સૈનિકો હાજર છે. આ મહિનામાં તાલિબાન દ્વારા કરવામાં આવેલ હુમલામાં ર૦૦ લોકોનાં મોત નિપજ્યા છે.