(એજન્સી) કાબૂલ,તા.૪
દક્ષિણ અફઘાનિસ્તાનમાં આવેલા કંધાર ખાતે નાટો સૈનિકોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં બે અમેરિકી સૈનિકોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. આ પુષ્ટિ પેન્ટાગોને આપી હતી. નૌકાદળના કેપ્ટન જેફ ડેવિસ જે પેન્ટાગોનના પ્રવક્તા છે તેમણે આ સૈનિકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે જોકે આ હુમલામાં કેટલા અન્ય લોકો ઘવાયા હતા તે અંગે કોઇ માહિતી મળી નથી. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનના કંધાર ખાતેના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણી શહેરની અણીએ જઇ રહેલા એક વિદેશી સૈન્યના કાફલા પર પણ આત્મઘાતી હુમલો કરવાના સમાચાર મળ્યા હતા. આ આતંકી હુમલાની જવાબદારી પણ તાલિબાની આતંકી સંગઠને સ્વીકારી લીધી છે. પ્રત્યક્ષદર્શી ગુલામ અલીએ જણાવ્યું કે હું કંધારમાં આવેલી મિકેનિક શોપ તરફ જઇ રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક મિલિટ્રી વાહનમાં આગ લાગી હતી અને તે રોડના કિનારે ભલભડ સળગી રહ્યું હતું. તેણે કહ્યું કે એક હેલિકોપ્ટર આવ્યું અને તે સૈનિકોના શબ લઇ ગયું.
જોકે કેટલા લોકો ઘવાયા હતા તે અંગે કોઇ માહિતી મળી નથી. જોકે અફઘાનિસ્તાનમાં હાજર અમેરિકી સૈન્યએ પણ ઘાયલો અંગે કોઇ માહિતી આપવા ઇનકાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે એક શિયા મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલામાં પણ ૩૧થી વધુ લોકોનાં મોત થયા હતા જેમાં હજારો રોષે ભરાયેલા નાગરિકો તેમના શબ લઇને માર્ગો પર આવી ગયા હતા.
આ ઘટના હેરાત પ્રાંતમાં બની હતી. એસઆઇટીઇ ઇન્ટેલિજન્સ ગ્રુપના જણાવ્યા પ્રમાણે આઇએસઆઇએસ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. ક્ષેત્રના ગવર્નરના પ્રવક્તા જિલાની ફરહાદે પણ જણાવ્યું કે આ હુમલામાં મૃતકોની સંખ્યા હવે ૩ર થઇ ગઇ છે જ્યારે અન્ય છ શ્રદ્ધાળુઓ ઘાયલ થયાના સમાચારો પણ મળ્યાં છે.