(સંવાદદાતા દ્વારા) સુરત તા.૮
શહેરના લિંબાયત પોલીસ મથકની હદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થીતી કથળી જવા પામી છે. તેમ છતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. રવિવારે જ એક ટેમ્પા ચાલકની હત્યાનો બનાવ બન્યા બાદ સોમવારે લિંબાયત સંજયનગર ખાતે એક માથાભારે યુવક પર ધોળે દિવસે ફાયરીંગ કરાતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને લઇ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા, અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના લિંબાયત સંજયનગર ઝુંપડપટ્‌ીમાં વિશાલ ઉર્ફે ક્રિષ્ણા વાઘ નામનો યુવક પરિવાર સાથે રહે છે. સોમવારે બપોરના ૧૨ વાગ્યાના અરસામાં વિશાલ પોતાના ઘરની બહાર નિકળ્યો હતો. તે દરમ્યાન બાઇક પર આવેલા બે યુવકોએ તેના પર એક રાઉન્ડ ફાયરીંગ કરતા તેને ગોળી વાગી હતી. પરિણામે વિશાલ જમીન પર પડી ગયો હતો. ફાયરીંગનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત વિશાલને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ ઘટનાની જાણ લિંબાયત પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ દોડી આવ્યા હતા. અને પોલીસે એફ.એસ.એલ.ની મદદથી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત પાસે પોલીસ પહોચી હતી. વિશાલે જણાવ્યુ હતુ કે સાગર ઉર્ફે મનિયો દુકર અને ભરકુ પાટીલ નામના બે યુવકોએ તેના પર ફાયરીંગ કર્યુ છે. છેલ્લાં બે વર્ષથી તેઓની વચ્ચે મારામારીને લઇને ઝઘડો ચાલ્યા કરે છે. જેની અદાવતમાં બંનેએ ફાયરીંગ કર્યુ હોવાનું જણાવતા પોલીસે તેની ફરીયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.