(સંવાદદાતા દ્વારા)
ભરૂચ,તા.ર
આફ્રિકામાં વસતા ભારતીયોના જાનમાલની સુરક્ષા આપવાની માગ સાથે વડાપ્રધાનને સંબોધેલ આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. બે દિવસ પૂર્વે સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં ભરૂચ જિલ્લાના બે યુવાનોની હત્યા નિગ્રો લૂંટારૂઓએ કરતા વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા અંગે પ્રશ્નાર્થ સર્જાવા પામ્યા છે. આ મુદ્દે ભરૂચ સ્થાનિક રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું છે. ભરૂચના સ્થાનિક અગ્રણી અબ્દુલ કામઠીની આગેવાનીમાં વડાપ્રધાન, વિદેશમંત્રી, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યું હતું. જેમાં આફ્રિકામાં રહેતા ભારતીયોને સ્થાનિક નિગ્રો દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમાંયે ખાસ કરીને ગુજરાતીઓને લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી રહી છે. જેમાં આવા બનાવોમાં ત્યાંની સ્થાનિક પોલીસ પણ નિગ્રોની મદદ કરતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે આફ્રિકામાં વસતા ભારતીયોની સુરક્ષા કરવામાં નહીં આવે તો ના છુટકે ભારતમાં આવેલી આફ્રિકાની એમ્બેસીનો ઘેરાવો કરવાની ફરજ પડશે. મુંબઈ તથા દિલ્હીમાં આવેલી આફ્રિકન એમ્બેસીને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આવેદનપત્રમાં ભારતીયોની સુરક્ષા કરવા તેમજ હત્યારાઓને સજા કરવાની પણ માગણી કરવામાં આવી છે.