National

AFSPA, ટોર્ચર અને ગૌમાંસ મુદ્દે ભારતે યુએનની ભલામણોની કરેલી અવગણના

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
માનવ અધિકારના રક્ષણ માટે કરાયેલી ભલામણોની ભારત સરકાર દ્વારા અવગણના કરવામાં આવતા સંયુક્ત રાષ્ટ્ર (યુએન) હેઠળની સંસ્થા ધ હ્યુમન રાઈટ્‌સ વોચે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. જીનિવા ખાતે સંયુક્ત રાષ્ટ્રની કચેરીએ આ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. દેશના સલામતી દળોની જવાબદારી, અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ દેખાવો, મૃત્યુદંડ જેવા મુદ્દા આ સમીક્ષામાં સામેલ કરવામાં આવ્યા હતા.
ગત ર૧ સપ્ટેમ્બરના રોજ ભારત સરકારે યુએન દ્વારા કરાયેલી ભલામણો અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. હ્યુમન રાઈટ્‌સ વોચ (એચઆરડબ્લ્યુ)એ જણાવ્યુંં હતુંં કે, ભારત સરકારે મહત્ત્વની ભલામણો સ્વીકારવા સામે અનિચ્છા દર્શાવી હતી. હ્યુમન રાઈટ્‌સ વોચ દક્ષિણ એશિયા ખાતેના મિનાક્ષી ગાંગુલીએ જણાવ્યુંં હતુંં કે, અભિવ્યક્તિની સ્વતંત્રતા સામે અનેક હુમલા, લઘુમતીઓને ધમકીઓ જેવા મુદ્દે ભારત સરકારે મૌન ધારણ કરી લીધું છે. તેમણે જણાવ્યુંં હતુંં કે, ભારત સરકારે આ અંગે મહત્ત્વના અને મજબૂત પગલાં ભરી માનવ અધિકાર અંગે વિશ્વનું નેતૃત્વ કરવું જોઈએ. ગત મે માસની ચોથી તારીખે મળેલી બેઠકમાં ૧૧ર દેશોએ કુલ રપ૦ ભલામણો કરી હતી. ગત ર૧ સપ્ટેમ્બરના રોજ ભારત સરકારે આ પૈકીની ૧પર ભલામણોનો સ્વીકાર કર્યો હતો. જેમાં ગરીબી નાબૂદી, પીવાનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ કરાવવું, સ્વચ્છતા તેમજ બાળકો અને મહિલાઓના રક્ષણ સંબંધિત ભલામણોનો સ્વીકાર થાય છે. આ ઉપરાંત ગત વર્ષ ર૦૧રમાં ૧૭ દેશો દ્વારા કરાયેલી ભલામણો અંગે ભારતે પ્રતિબદ્ધતા દર્શાવી હતી પણ ભારત સરકારે હજુ સુધી કોઈ પગલાં ભર્યા નથી. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતુંં કે, પોલીસ કસ્ટડીમાં મોત થવાનું મુખ્ય કારણ પોલીસ દ્વારા કરાતું ટોર્ચર છે. પોલીસ માહિતી એકઠી કરવા કોઈપણ હદે જાય છે. હ્યુમન રાઈટ્‌સ વોચે આર્મડ ફોરસિસ સ્પેશિયલ પાવર એક્ટ (આફસ્પા) અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આ કાયદા હેઠળ જવાનોને ખાસ સત્તા આપવામાં આવે છે. આ ઉપરાંત ગૌમાંસ અંગે થતી હિંસા મુદ્દે પણ હ્યુમન રાઈટ્‌સ વોચે ભારત સરકારની ટીકા કરી હતી. જે હેઠળ શાસિત ભાજપના સહયોગી હિન્દુવાદી સંગઠનો દ્વારા નિર્દોષ લોકો પર હુમલો કરવામાં આવે છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. વર્ષ ર૦૧૭ના પ્રથમ માસમાં હુમલાની ર૬ ઘટનાઓ નોંધાઈ હતી. માત્ર અફવાના કારણે થતા હુમલામ સાત લોકોનાં મોત થયાં હતાં. સરકાર આ મામલે રક્ષણ પૂરું પાડવામાં નિષ્ફળ નીવડી છે. ઉપરાંત ભાજપના નેતાઓ દ્વારા લઘુમતીઓ સામે ઝેર ઓકવાની ઘટનાઓને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. ભારતમાં આવા બનાવોની વધતી સંખ્યા સામે ૧પ જેટલા દેશોએ ચિંતા વ્યક્ત કરી હતી. આ દેશોએ ભલામણ કરી હતી કે, ભારતની સરકારે રક્ષણ પૂરું પાડવું જોઈએ. તેમજ ધર્મ સ્વતંત્રતાનું ઉલ્લંઘન ન થાય તેની તકેદારી રાખવી જોઈએ.