(એેજન્સી) જમ્મુ, તા.૨૭
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળ્યા બાદ પહેલી વખત કારગિલમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવી છે. ૧૪૫ દિવસ પહેલા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જોકે, કારગિલ સિવાયના અન્ય જિલ્લાઓમાં હજી પણ ઈન્ટરનેટ સેવાઓ શરૂ નથી થઈ શકી. નોંધનીય છે કે ભારત સરકારે ૫ ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ ૩૭૦ હટાવવા અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયા બાદથી જ ત્યાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મહિને ભારતીય-અમેરિકી સાંસદ પ્રમિલા જયપાલે અમેરિકી સંસદમાં જમ્મુ-કાશ્મીર પર એક પ્રસ્તાવ રજૂ કરતા ભારત સરકારને કહ્યું હતું કે ત્યાં લગાવેલા સંચાર પ્રતિબંધોને બને તેટલું જલ્દી હટાવી લે અને તમામ રહેણાકોની ધાર્મિક સ્વતંત્રતા સંરક્ષિત રાખવા માટેની અપીલ કરી હતી.