માતા અને બે નાના ભાઈઓના સહકારથી અભ્યાસ કરીને ધો.૧ર સાયન્સમાં ઝળકેલી જમાલપુરની એફ.ડી. ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિની નૌહીનબાનુએ સંઘર્ષ કરીને પણ સફળતા મેળવી શકાય તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડયું છે. પ્રસ્તુત તસવીરમાં નૌહીનબાનુ સહિત ચારેય ભાઈ બહેનો નજરે પડે છે. જયારે ઈન્સેટ તસવીરમાં નૌહીનબાનુની સાથે તેના કેન્સરગ્રસ્ત પિતા યુસુફભાઈનો ફાઈલફોટો.
(ફિરોઝ મનસુરી) અમદાવાદ,તા.૧૩
આજના આધુનિક યુગમાં દિકરીઓ દિકરા સમોવડી થઈ ગઈ છે. ત્યારે આવી જ બે દિકરીને અભ્યાસ કરાવવા તેની માતા અને કિશોરવયના બે નાના ભાઈઓ ચા-ની લારી ઉપર ચા વેચીને અભ્યાસ કરાવે છે જેના ફળસ્વરૂપે દિકરી નૌહીનબાનુએ ધો.૧ર સાયન્સની બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી છે. આજે આપણે મધર્સ ડે નિમિત્તે એક દિવસ માટે માતાના પગે લાગીને આવા તહેવારોની નામ ખાતર ઉજવણી કરીએ છીએ. ત્યારે આજના કળિયુગમાં આવા બાળકો કે જેઓ માતાની પડખે ઉભા રહીને ખરાઅર્થમાં મધર્સ ડેનું મહત્વ આપણને સમજાવે છે. મહત્વાકાક્ષી બાળકો ઘણીવાર પોતાની મહત્વાકાક્ષાને સંતોષવા માતા-પિતાને ધૂત્કારતાં હોય છે. આવા લોકોએ માતા-પિતાની કદર કેમ કરાય તે આ બાળકો પાસેથી શીખ લેવી જોઈએ.
અમદાવાદના રખિયાલમાં રહેતી પઠાણ નૌહીનબાનુ યુસુફખાન એ તાજેતરમાં ધોરણ-૧ર સાયન્સની પરીક્ષામાં ૬૯.રપ પર્સન્ટાઈલ સાથે સફળતા મેળવી છે. પરંતુ ધોરણ-૧૦મા ટોપર રહેલી નૌહીનબાનુએ ધો.૧૧-૧રમાં સાયન્સ લેવું એ તેના માટે ઘણુ અઘરૂં હતું કેમ કે ચાની લારી ચલાવતા તેના પિતા કેન્સરગ્રસ્ત હતા. એટલે મહિનામાં આવકનો મોટો ભાગ તેમની દવાઓમાં ખર્ચાતો હતો. ત્યારે દીકરી નૌહિનાબાનુને ભણાવવા પિતાએ દવામાં કાપ મુકયો હતો. તેમની દુઆઓથી ધો.૧૦મા નૌહિનબાનુ બોર્ડની પરીક્ષામાં ટોપર રહી હતી. ત્યારબાદ આર્થિક પરિસ્થિતિ કથળેલી હોવા છતાં તેના માતા-પિતાએ તેણીને સાયન્સમાં એડમિશન અપાવ્યું. તે દરમ્યાન ધો.૧૧માં સેમેસ્ટર-રની પરીક્ષાના પેપરના દીવસે જ પિતા યુસુફભાઈનું કેન્સરના લીધે મોત નીપજયું હતું. ત્યારે તેની માતા ભાઈ-બહેન અને પરિવારજનોએ તેને અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. એટલે તેણે ધો.૧૧-૧ર સાયન્સની પરીક્ષા આપી અને હાલમાં જ જાહેર થયેલા બોર્ડના પરિણામમાં નૌહિનબાનુએ સફળતા મેળવી છે. સફળતા અંગે નૌહિનબાનુએ જણાવ્યું હતું કે મારા પિતા જન્નતનશીન થયા ત્યારે હું ખૂબ ઉદાસ થઈ ગઈ હતી. તદઉપરાંત આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી દેવાનું વિચારતી હતી. પરંતુ ધો.૯ પાસ મારા ભાઈ મોહંમદ અકરમ અને ધો.૭ પાસ ભાઈ મોહંમદ અયાને પોતાનો અભ્યાસ છોડીને ઘરનું ગુજરાન ચલાવવા અને મને તથા મારી નાની બહેન નાહિદને ભણાવવા ચા-ની લારી ચલાવવા લાગ્યા છે. જો કે મારા ભાઈઓ નાના હોવાથી તેમને સાથ આપવા મારી માતા પણ ચા-ની લારીએ બેસી ચા વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે જો કે હું મારા અભ્યાસનો ખર્ચ કાઢવા માટે લગ્ન પ્રસંગોમાં બહેનોને મહેંદી લગાવવા જાઉ છું વધુમાં અભ્યાસ કરવા અંગે નૌહિનબાનુએ જણાવ્યું હતું કે મારે સિવિલ એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા છે. પરંતુ ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી હાલ શું કરવું તે અંગે મૂંઝવણમાં છું જો કે મારે કંઈક બનીને મારા પરિવારને સપોર્ટ કરવો છે જે ઈન્શાઅલ્લાહ કરીશ. નૌહિનબાનુની માતા મુમતાઝબાનુએ જણાવ્યું હતું કે મારા પતિ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા તે પહેલા તેઓએ મને કહ્યું હતું કે તું મારા બાળકોના પિતાની જવાબદારી નિભાવજે. એટલે આજે મારા ચાર બાળકોમાં બે દીકરી અને બે દીકરા છે. બે દીકરા અભ્યાસ છોડીને ચા-વેચે છે તેમની સાથે હું પણ ચા-વેચુ છું મારા બાળકો જ મારો સહારો છે મારી દીકરી નૌહિનાબાનુએ ધો.૧રની આર્ટસમાં સફળતા મેળવી છે. ત્યારે બીજી દિકરી નાહિદ હાલ ધો.૧૧ આર્ટસમાં છે. આ બંને દિકરીઓને વધુ અભ્યાસ કરાવવા માટે હું અને મારા દીકરાઓ મહેનત કરી રહ્યા છીએ.
નાનાભાઈઓને ધો.૧૦ની પરીક્ષા આપવા ઘરે તૈયારી કરાવીશ : નૌહીન
ધો.૧ર સાયન્સની પરીક્ષામાં સફળતા મેળવનારી નૌહીનબાનુ પઠાણે જણાવ્યું હતું મને ભણાવવા માટે મારા ભાઈ મોહંમદ અકરમે ધો.૯ અને મોહંમદ અયાને ધો.૭ પાસ કરીને અભ્યાસ છોડી દીધો છે. ત્યારે હવે હું ધો.૧ર પાસ થઈ ગઈ છું એટલે મારા ભાઈઓને ઘરે અભ્યાસ કરાવીને ધો.૧૦ની બોર્ડની એકસ્ટર્નલ પરીક્ષા અપાવીશ. મારા ભાઈઓ પણ ભણવામાં હોશિયાર છે એટલે તેમને પણ ભણાવવા છે.
Recent Comments