અમદાવાદ,તા.૬
સોશિયલ મીડિયા ઉપર ઢુંઢર ગામની માસૂમ બાળકી પર બળાત્કારની ઘટનાને સખત શબ્દોમાં વખોડી પરપ્રાંતિયોને ટાર્ગેટ કરી માર મારવાની પોસ્ટ અને કોમેન્ટો વાયરલ થઈ રહી છે જેના લીધે શાંતિમાં પલિતો ચંપાયો છે. ત્યારે ડીજીપીના આદેશને પગલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયામાં પરપ્રાંતિયોને ટાર્ગેટ કરી માર મારવાની અફવાઓ ફેલાવતા સાત લોકોને ઝડપી પાડયા છે. જેમાં બે કિશોર હોવાથી તેમની પૂછપરછ કરીને તેઓનો કબજો વાલીઓને આપવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં સાબરકાંઠાના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર પરપ્રાંતિય યુવાન દ્વારા બળાત્કારની ઘટનાને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. જેને પગલે લોકો દ્વારા પરપ્રાંતિયો ઉપર હુમલાની ઘટનાઓ બનવા લાગી છે. ત્યારે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ કાયદો વ્યવસ્થાની પરિસ્થતિ જાળવવા કડક આદેશ કર્યા હતા. જેના સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક મેસેજો ફેલાવનારા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાનો આદેશ અપાયો હતો. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ હાથ ધરી સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવતા મેસેજ, કોમેન્ટ અને વીડિયો અપલોડ કરનારા ૭૦થી ૮૦ જેટલી પ્રોફાઈલો શોધી કાઢી હતી. જેના આધારે આરોપીઓની ઓળખ કરી મહેશ ગલાજી ઠાકોર (રહે. મણિનગર), ગણપતજી ચમનજી ઠાકોર, જીતેન્દ્ર ઉર્ફે જીતુ રમેશભાઈ ઠાકોર, નીતિન ભુલાભાઈ ઠાકોર, પ્રકાશ રાજેશભાઈ દંતાણીને ઝડપી પાડયા હતા. તેમજ અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરને પણ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી તેઓની પૂછપરછ કરી તેના વાલીને કબજો સોપવામાં આવ્યો હતો. આરોપીઓના મોબાઈલ કબજે કરી તપાસ કરતા માલુમ પડયું હતું કે તમામ આરોપીઓ મોબાઈલ ફોનની અંદર સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ બનાવી વાયરલ કરતા હતા. તેમજ આરોપીઓ પોતાના વોટસ-અપ ગ્રુપો મારફતે પણ એક બીજા સાથે ગુનાહીત પ્રવૃતિ આચરતા હતા. આરોપીઓ સમાજમાં અશાંતિ અને વૈમનશ્ય ફેલાય તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે તેવા મેસેજો મોકલતા હતા.
કરે કોઈ અને ભોગવે કોઈ : હુમલાના ડરથી પરપ્રાંતિયો વતન ભણી રવાના
સાબરકાંઠામાં ૧૪ માસનીા માસૂમ બાળકી પર પરપ્રાંતિય યુવાને બળાત્કાર કરતા સમગ્ર રાજયમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે માસૂમ બાળકીને પીંખી નાખનારો યુવાન પરપ્રાંતિય હોવાને લીધે પરપ્રાંતિયો ઉપર લોકો રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે અનેક જગ્યાએ પરપ્રાંતિયો ઉપર હુમલાના બનાવો બની રહ્યા છે. તો ગામે ગામમાં રહેવા પરપ્રાંતિયોને ગામ છોડી દેવા માટે ધમકી મળી રહી છે. તેવામાં બળતામાં ઘી નાખવાનું કામ સોશિયલ મીડિયાએ કરી દીધું છે. સોશિયલ મીડિયામાં પરપ્રાંતિયોને માર મારવાના વાંધાજનક મેસેજો અને વીડિયો પણ વાયરલ થયા છે. આ તમામ બાબતોને લીધે ગુજરાતમાં વસતા પરપ્રાંતિયો હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ત્યારે પોતાનો જીવ બચાવવા પરપ્રાંતિયોએ હિજરત શરૂ કરી દીધી છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી પરપ્રાંતિયો હિજરત કરી પોતાના વતન ભણી રવાના થયા હતા. ત્યારે ખાનગી લકઝરી બસો પણ ઉભરાઈ ગઈ હતી. એણે એવું કહી શકાય કે સુકો ભેગુ લીલું પણ બળે તેમ ગુનો કરે કોઈ અને સજા ભોગવે કોઈ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
સોશિયલ મીડિયાના ઉશ્કેરણીજનક મેસેજોથી ગેરમાર્ગે દોરાવું નહીં
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે જાહેર જનતાને શાંતિની અપીલ કરતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થતા મેસેજો પર ધ્યાન આપે નહીં તેમજ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક અને ભડકાઉ લખાણ પોસ્ટ અને વીડિયો બાબતે ગેરમાર્ગે દોરાવું નહીં. આવા ઉશ્કેરણીજનક મેસેજો ફેલાવનારા કોઈપણ શખ્સને છોડાશે નહીં. આવા મેસેજો કરનારાની વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Recent Comments