(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
મંગળવારે બાંદા જેલમાં પત્ની સાથે મુલાકાત દરમિયાન અન્સારીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. પતિની કથળતી હાલત જોઈ પત્ની આશકાને પણ હૃદયરોગનો હુમલો આવતા બન્નેને મોડી સાંજે લખનૌની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બીજી તરફ મુખ્તાર અન્સારીના ભાઈ અફઝલ અન્સારી અને ભાભીએ આ મુદ્દે શંકા જાહેર કરતા કહ્યું કે, તેમને સારવાર પૂરી પાડવામાં મોડું કરાયું છે. પરંતુ તેમની મુલાકાત મુખ્તાર સાથે ન થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું ઉતાવળભર્યું પગલું હશે. તેમણે કહ્યું કે રાહતની વાત છે કે મુખ્તાર હોશમાં છે અને તેમનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. મુખ્તાર સાથે બેવડું વલણ રાખવામાં આવી રહ્યું છે. મુખ્તાર વિરૂદ્ધ દિલ્હી, મઉ અને લખનૌમાં કેસ દાખલ છે. પરંતુ તેમને અહીંયાથી દૂર બાંદા જેલમાં રાખવામાં આવ્યા છે. બ્રજેશસિંહનું નામ લીધા વિના અફઝલે કહ્યું કે એકને ઘરની પાસે જેલમાં રાખવામાં આવ્યો છે જેને ઘરનું ભોજન મળી રહ્યું છે. જ્યારે મુખ્તારને ૬૦૦ કિ.મી. દૂર બાંદા જેલમાં રખાયા છે.