ભાવનગર,તા.ર૬
બોટાદ જિલ્લાના ગઢડા ગામે ગઈકાલે બુધવારે મોડી સાંજે પાસના આગેવાનો કાર્યકરોની બહોળી ઉપસ્થિતિમાં હાર્દિક પટેલનો રોડ શો યોજાયો હતો. હાલમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે રાજકીય માહોલ ગરમાયો છે આવા સમયે હાર્દિક પટેલ અને તેમના સાથીદારો દ્વારા રોડ શો અને જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર ઉમટી પડયા હતા.
બોટાદના રોહિશાળાથી નિંગાળા અને ઉગામેડી બાદ ગઈકાલે મોડી સાંજે ગઢડા ખાતે પોતાના ટેકેદારો સાથે હાર્દિક પટેલે રોડ શો યોજયો હતો. આ પ્રસંગે એસ.પી. સ્વામી દ્વારા હાર્દિક પટેલને સાફો બાંધી સ્વાગત કરવામાં આવ્યું હતું તે દરમ્યાન ગોપીનાથજી દેવ મંદિરના વહીવટી ચેમ્બરમાં એસ.પી. સ્વામી સાથે બંધ બારણે હાર્દિક પટેલની બેઠક પણ યોજાઈ હતી. ત્યારબાદ સ્વામીનારાયણની યાત્રાધામમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આગામી ચૂંટણીનું પરિણામ ગુજરાતની પ્રજાના ચહેરા ઉપર ખુશી લાવનારૂ હશે. રાજયના યુવાનો અને આત્મહત્યા કરનાર ખેડૂતોના લાભાર્થે ભગવાન પાસે પ્રાર્થના કરી હોવાનું પણ હાર્દિકે જણાવ્યું હતું. આવનારી ચૂંટણીનું પરિણામ પ્રજાલક્ષી હોવાનું અને પ્રજાના પ્રતિનિધિ તરીકે પોતે લડત શરૂ રાખશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત ગઢડા નજીકના માંડવધાર ગામે પણ હાર્દિક પટેલે સભા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.