(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.ર
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (અમૂલ ડેરી)ના ચેરમેન અને ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમારે ધારાસભ્ય પદેથી રાજીનામંુ આપ્યા બાદ ભૂકંપ સર્જાયો છે, હાલમાં અમૂલ ડેરીમાં કોંગ્રેસ પ્રેરિત ડિરેકટરોની બહુમતી છે અને જેને લઈને આગામી દિવસોમાં ચેરમેન રામસિંહ પરમાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામા આવે અને કોંગ્રેસ પોતાના ડિરેકટરને ચેરમેન બનાવે તેવી શકયતાઓ દેખાઈ રહી છે જેને લઈને દૂધ ઉત્પાદકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
મળતી વિગતો અનુસાર ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીના ચેરમેન અને ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમારે ધારાસભ્ય પદેથી રાજીનામું મૂકી દઈ કોંગ્રેસને બાયબાય કરતા ભૂકંપ સર્જાયો છે. હાલમાં અમૂલ ડેરીમાં કોંગ્રેસની બહુમતી રહેલી છે અને ભાજપના બે અપક્ષ ડિરેકટરો અને એક અપક્ષ ડિરેકટર ચૂંટાયા બાદ ભાજપ દ્વારા અમૂલ ડેરીમાં સત્તા પ્રાપ્ત કરવા ભારે ધમપછાડા કર્યા હતા અને ડેરીના બોર્ડ ઓફ ડિરેકટરમાં વધુ ત્રણ બિનસરકારી પ્રતિનિધિઓની નિમણૂક કરવામા આવી હતી પરંતુ જે તે સમયે ચેરમેન રામસિંહ પરમારે આ નિમણૂકને ગેરબંધારણીય ઠેરવી સુપ્રીમ કોર્ટમાં રિટ કરી હતી અને જેના પગલે સરકારે બિનસરકારી સભ્યોની કરેલી નિમણૂક પરત ખેંચવી પડી હતી અને ત્યારબાદ લગભગ ૧ વર્ષ સુધી ચેરમેનની વરણી ખોરંભે પડી હતી. હાલમાં અમૂલ ડેરીમાં ૧૬ ડિરેકટરો પૈકી એનડીડીબી, જીસીએમએમએફ અને સરકારના પ્રતિનિધિ મળી ત્રણ સરકારી પ્રતિનિધિઓ છે જયારે દસ કોંગ્રેસના બે ભાજપના અને અપક્ષ ડીરેકટર છે જે પૈકી કોંગ્રેસના રામસિંહ પરમારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈ ભાજપ સાથે હાથ મિલાવી લઈ કોંગ્રેસને છોડતા અમૂલ ડેરીમાં પણ ભૂકંપ સર્જાયો છે અને હવે અમૂલ ડેરીમાં સત્તા કોની તેની ચર્ચાઓ થઈ રહી છે.
ત્યારે આધારસુત્રો તરફથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર કોંગ્રેસે રાજય સભાની ત્રણ બેઠકોની ચૂંટણી પત્યા બાદ મામલો થાળે પડે એટલે કોંગ્રેસ સાથે વિશ્વાસ ઘાત કરતા રામસિંહ પરમારને અમૂલ ડેરીના ચેરમેન પદેથી ઉથલાવી પાડવાનું નકકી કર્યુ હોવાનું જાણવા મળેલ છે અને તે માટે અત્યારથી જ કોંગ્રેસના બાકી રહેલા નવ ડિરેકટરોને પણ વિશ્વાસમાં લેવામા આવ્યા છે, જયારે રામસિંહ પરમારના વિરોધી ગણાતા અપક્ષ ડિરેકટર તેજસ પટેલ પણ જો રામસિંહ પરમાર સાથે અવિશ્વાસની દરખાસ્ત આવે તો કોંગ્રેસને ટેકો આપે તેવી શકયતાઓ છે જો કે અમૂલના કોંગ્રેસ પ્રેરિત નવ ડિરેકટરોમાંથી રામસિંહ પરમારના વફાદારો કેટલાક છે તેની પણ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ખાનગી સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાંથી અમૂલના ચેરમેન પદેથી રામસિંહ પરમારને ઉથલાવી મૂકવા માટે તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામા આવે તેવી શકયતાઓ રહેલી છે.
સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ બોરસદના ધારાસભ્ય અને અમૂલના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર પણ શંકરસિંહ વાઘેલા જૂથના ગણાય છે અને તેઓ પણ શંકરસિંહ વાઘેલાની સાથે જઈ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ હતી પરંતુ રાજેન્દ્રસિંહ પરમાર હાલમા કોંગ્રેસની સાથે જ રહ્યા છે અને તેઓ અન્ય ધારાસભ્યોની સાથે બેંગ્લુરૂમાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા રાજેન્દ્રસિંહ પરમાર સાથે અમૂલના ચેરમેન બનાવવાની શરત થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેથી રામસિંહ પરમારને ઉથલાવ્યા બાદ કોંગ્રેસ દ્વારા રાજેન્દ્રસિંહ પરમારને અમૂલ ડેરીના ચેરમેન બનાવવાનો તખ્તો ઘડાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે અને આ સમગ્ર ઓપરેશનની જવાબદારી અમીત ચાવડાને સોંપવામા આવી હોવાનંુ પણ આધારભુત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે જેને લઈને દૂધ ઉત્પાદકોમાં ઉત્તેજના પ્રસરી ગઈ છે અને ચેરમેન રામસિંહ પરમાર સાથે અવિશ્વાસની દરખાસ્ત આવશે કે કેમ કોંગ્રેસ રામસિંહ પરમારને ચેરમેન પદેથી ઉથલાવવામાં સફળ થશે કે કેમ? અને નવા ચેરમેન કોણ હશે તેમજ હાલના કોંગ્રેસના ૯ ડિરેકટરો પૈકી કેટલાક ડિરેકટરો અવીશ્વાસની દરખાસ્તની તરફેણ કરશે તેને લઈને અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યાં છે. જો કે હાલમાં તો તર્ક-વિતર્ક જ થઈ રહ્યા છે.