(એજન્સી) પટના, તા.૧૦
આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવે શુક્રવારે જણાવ્યું કે તેમનો પુત્ર તેજસ્વી યાદવ આગામી બિહાર વિધાનસભા ચૂંટણીનું નેતૃત્વ સંભાળશે અને રાષ્ટ્રીય જનતાદળના મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહેશે. જો કે બાદમાં પાર્ટીમાં વિરોધ ઊભો થતાં તેમણે નિવેદન પરથી ગુલાંટ મારતાં જણાવ્યું કે તેમણે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે કોઈનું નામ જાહેર કર્યું નથી. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે ર૦ર૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આરજેડી તેજસ્વી યાદવની આગેવાનીમાં ચૂંટણી લડશે પરંતુ પાર્ટીમાં આંતરિક વિરોધ ઊભો થયો હતો. લાલુ પ્રસાદે આ વાત ત્યારે જાહેર કરી કે જ્યારે પાર્ટીના બે વરિષ્ઠ નેતા અબ્દુલબારી સિદ્દીકી અને રઘુવંશ પ્રસાદસિંઘે કહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીના પદ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી એમ જણાવતા લાલુએ ફેરવી તોળ્યું હતું કે મેં સીએમ પદના ઉમેદવાર તરીકે તેજસ્વીનું નામ જાહેર કર્યું નથી. બુધવારે રાજ્યના આરજેડી પ્રમુખ રામચંદ્ર પૂર્વએ આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રીના ઉમેદવાર માટે તેજસ્વી યાદવના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ સિદ્દીકી અને સિંઘએ આ પ્રતિક્રિયા આપી હતી.
૯મી નવેમ્બરે ર૮ વર્ષના થયેલ પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા છે.