(એજન્સી) તા.ર૭
ચીનની બે દિવસીય મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ ચાઈનીઝ પ્રાંત હુબેઈની રાજધાની વુહાનમાં ચીનના પ્રમુખ શી જિનપીંગ જોડે મુલાકાત કરી હતી. મુલાકાતના પ્રથમ દિવસે પ્રમુખ જિનપીંગે હુબેઈ પ્રોવિન્સિયલ મ્યુઝિયમમાં વડાપ્રધાને આવકાર્યા હતા. વડાપ્રધાન મોદીએ આવતા વર્ષે ભારતમાં પણ આ પ્રકારની અનૌપચારિક શીખર મંત્રણા આયોજિત કરવાનું સૂચન કર્યું હતું. વડાપ્રધાન મોદી અને પ્રમુખ જિનપીંગ વચ્ચે થયેલી અનૌપચારિક મંત્રણા પછી પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા શરૂ થઈ હતી. આ રહી વડાપ્રધાન મોદીની ચીન મુલાકાત અંગેની ૧૦ હકીકતો.
૧. વડાપ્રધાન મોદી અને પ્રમુખ જિનપીંગ વચ્ચે યોજાયેલી પ્રથમ અનૌપચારિક બેઠકમાં ફકત બે દુભાષિયા હતા.
ર. એકબીજા સાથે ટૂંકી મુલાકાત અને મ્યુઝિયમની મુલાકાત પછી બન્ને વચ્ચે પ્રતિનિધિ સ્તરની મંત્રણા શરૂ થઈ હતી જેમાં બન્ને પક્ષે છ-છ પ્રતિનિધિઓ હતા.
૩. પ્રમુખ જિનપીંગે વડાપ્રધાન મોદી માટે ચીનના ક્રાંતિકારી માઓ ઝેદોગના રજા માણવાના પ્રિય સ્થળ મધ્ય વુહાનના ઈસ્ટ લેક ગેસ્ટ હાઉસમાં ડિનરનું આયોજન કર્યું હતું.
૪. શનિવારે બન્ને નેતાઓ મંત્રણા કરવા માટે એકબીજા સાથે વધારે સમય પસાર કરશે તેમની સાથે ફકત દુભાષિયાઓ હશે.
પ. બન્ને નેતાઓ વચ્ચે આ પહેલાંની મંત્રણાઓ દરમિયાન વિકસેલા સંબંધો વધારે મજબૂત બનાવવા માટે વડાપ્રધાન મોદી અને જિનપીંગે ઈસ્ટ લેકના કિનારે વિહાર કર્યો હતો અને બોટમાં સાથે મુસાફરી કરી હતી.
૬. મંત્રણા પછી કોઈ સંયુક્ત નિવેદન આપવામાં આવ્યું નથી અને બન્ને પક્ષો એવા મુદ્દાઓ ઉઠાવવા માંગતા નથી જે બન્ને વચ્ચેના સંબંધોમાં વિવાદનું કારણ છે.
૭. આ મુલાકાત ડોકલામ વિવાદના મહિનાઓ પછી થઈ હતી જેમાં ભારત અને ચીનની સેના સતત ૭ર દિવસ સુધી ભૂતાનના ડોકલામ વિસ્તારમાં સામસામે યુદ્ધની સ્થિતિમાં ઊભી હતી.
૮. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થતાં ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી હતી. બેઈજીંગે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતનો પ્રવેશ પ્રતિબંધિત કરી દીધો છે અને તે હાફિઝ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરતો નથી.
૯. ચીન જતી વખતે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પ્રમુખ શી અને હું અગત્યના દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરીશું.
૧૦. વડાપ્રધાને આમ પણ કહ્યું હતું કે, અમે લાંબાગાળાના અને વ્યુહાત્મક પરિબળોને ધ્યાનમાં રાખીને ભારત-ચીનના સંબંધોની સમીક્ષા કરીશું.