Ahmedabad

આગામી સપ્તાહથી બજેટ કવાયત વિધિવત શરૂ થશે

નવીદિલ્હી,તા. ૧૦
જીએસટી વ્યવસ્થા અમલી બન્યા બાદ ભારતના પ્રથમ કેન્દ્રીય બજેટ ૨૦૧૮-૧૯ ઉપર કામ આગામી સપ્તાહમાં શરૂ થશે. નાણામંત્રાલય દ્વારા જુદી જુદી પ્રક્રિયાઓ માટે સમય મર્યાદા જારી કરી દીધી છે. ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂઆત સાથે આ પ્રક્રિયા ચાલશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૯માં યોજાનાર સામાન્ય ચૂંટણી પહેલા આ સંપૂર્ણ બજેટ તરીકે રહેશે. પહેલી જુલાઇના દિવસે ભારતના સૌથી મોટા ટેક્સ સુધારા જીએસટીને અમલી બનાવી દેવામાં આવ્યા બાદ હવે સામાન્ય ચૂંટણી પહેલા સરકારના છેલ્લા સંપૂર્ણ બજેટ તરીકે પણ આને ગણવામાં આવે છે. વર્ષ ૨૦૧૭-૧૮ માટે બજેટની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. કસ્ટમ ડ્યુટી, સેન્ટ્રલ એક્સાઇઝ, સર્વિસ ટેક્સના વડાઓ હેઠળ ટેક્સ રેવેન્યુ પ્રોજેક્શનની પ્રક્રિયા યોજાઈ ચુકી છે. એક્સાઇઝ ડ્યુટી અને સર્વિસ ટેક્સ જીએસટીમાં મર્જ કરી દેવામાં આવ્યા બાદ આના આંકડા પણ ઉપયોગી સાબિત થનાર છે. જીએસટીના રેટ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટે બજેટની પ્રક્રિયા ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. પ્રત્યક્ષ કરવેરામાં ફેરફાર માટે દરકાસ્ત આવી રહી છે જેમાં પર્સનલ ઇન્કમટેક્સ અને કોર્પોરેટ ટેસ્ટ ઉપરાંત કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. નવી સ્કીમ સાથે બજેટમાં આ ટેક્સને નવીરીતે રજૂ કરવામાં આવી શકે છે. નાણામંત્રી અરુણ જેટલીનું આ સતત પાંચમું બજેટ રહેશે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા મોદી સરકારનું આ અંતિમ સંપૂર્ણ બજેટ રહેશે. ચૂંટણી વર્ષમાં મર્યાદિત ગાળા માટે જરૂરી સરકારી ખર્ચ માટે મંજુરી અથવા તો વોટ ઓન એકાઉન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જ્યારે નવી સરકાર દ્વારા સંપૂર્ણપણે બજેટ રજૂ કરવામાં આવે છે. અગાઉ ચિદમ્બરમે ફેબ્રુઆરી ૨૦૧૪માં અગાઉની યુપીએ સરકારનું વોટ ઓન એકાઉન્ટ રજૂ કર્યું હતું જ્યારે જેટલીએ એજ વર્ષ જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. મંત્રાલયો દ્વારા ૨૦૧૬-૧૭માં ખર્ચ કરવામાં આવેલા વાસ્તવિક નાણા અંગેના આંકડા રજૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત બજેટના અંદાજ અને વર્તમાન નાણાંકીય વર્ષ માટે સુધારેલા અંદાજ રજૂ કરશે. આની સાથે તેઓ બજેટને અપેક્ષિત કરવાના પ્રયાસ કરશે. ફેબ્રુઆરીના અંતમાં બજેટ રજૂ કરવાની વર્ષો જુની પરંપરાનો અંત લાવીને જેટલીએ પહેલી ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે વાર્ષિક એકાઉન્ટ સાથે બજેટ રજૂ કર્યું હતું. બજેટની તૈયારીઓ હાથ ધરવામાં આવ્યા બાદ એપ્રિલથી શરૂ થતાં નાણાંકીય વર્ષની શરૂઆતથી ફંડ ફાળવણીની ચર્ચા હવે શરૂ કરવામાં આવી રહી છે.
અન્ય મંત્રાલયોની સાથે ઓક્ટોબરથી ચર્ચા શરૂૃ
કેન્દ્રીય નાણામંત્રાલય ઓક્ટોબર મહિનાથી અન્ય મંત્રાલયો સાથે વાતચીતની શરૂઆત કરશે. સાથે સાથે બજેટ સરક્યુલર જારી કરશે. વર્તમાન નાણાંકીય વર્ષ માટે ખર્ચના સુધારેલા અંદાજ માટે ઓક્ટોબરથી આ સમગ્ર પ્રક્રિયા શરૂ થશે. ઉપરાંત નાણામંત્રાલય દ્વારા બજેટ સરક્યુલર આગામી સપ્તાહમાં જારી કરવામાં આવનાર છે. બજેટ સરક્યુલરમાં નક્કી કરવામાં આવેલી ફોર્મેટની સાથે નાણામંત્રાલયને બજેટ જરૂરીયાતોની માહિતી રજૂ કરવા માટે સમય મર્યાદા રહેશે. મંત્રાલયો ૨૦૧૬-૧૭માં કરવામાં આવેલા વાસ્તવિક ખર્ચના આંકડા આપશે. ઉપરાંત બજેટ અંદાજ અને સુધારેલા અંદાજ આપશે. આના આધાર પર ફાળવણી કરવામાં આવશે.