ભરૂચ, તા.૮
વાગરા તાલુકાના અટાલીના ખેડૂતોની સ્વતંત્ર માલિકી અને ભોગવટાની ખેતીની જમીનોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પીસીપીઆઈઆરના અધિકારી દ્વારા નિયુક્ત કરેલ એજન્સીના લોકો ખેડૂતોને અંધારામાં રાખી ખૂંટા મારવાની પ્રક્રિયા કરતા જમીન માલિકોએ રંગે હાથ પકડી તેમના વિરૂદ્ધ અને પીસીપીઆઈઆરના અધિકારીઓ વિરૂદ્ધ દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
દહેજ વિસ્તારમાં આવતી પીસીપીઆઈઆરની નગર રચના યોજના સામે ખેડૂતો ખેડૂત હિતરક્ષક દળના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષથી કાયદાના પરીપ્રેક્ષમાં રહી ખૂબ જ સંયમ સાથે લડત ચલાવી રહ્યા છે.
સદર યોજનામાં ખેડૂતોની ૩૫ ટકા જમીનો પીસીપીઆઈઆર ઓથોરેટી મફતમાં પડાવી લઈ પછી તેવી જમીનો ડેવલોપ કરી ઊંચા ભાવથી ઉદ્યોગપતિઓને વેચવાની છે. વળી ખેડૂતોની બચેલી ૬૫ ટકા જમીનો ઉપર ખેડૂતોએ ઓથોરીટીને વિકાસ ફાળો પ્રતિ ચોરસ મીટર આશરે ૭૦૦થી ૧૦૦૦ રૂપિઆ સુધીનો ભરવાનો. આમ ખેડૂતોની જમીનો ઓથોરેટી પાસેથી ખેડૂતોએ વેચાતી જ લેવાની જેને ગુજરાતની ભાજપ સરકાર વિકાસનું નામ આપે છે.
ઉપરાંત આજે પીસીપીઆઈઆરના નોટીફીકેસનને કારણે ખેડૂત પોતાની નવી સરતની જમીન ખેતીના હેતુ માટે પણ જમીન શરતમાં કરાવી શરતો નથી જો જમીન શરતમાં ખેતીના હેતુ માટે પણ તબદીલ કરવી હોય તો પીસીપીઆઈઆરના કારણે મામલતદાર પ્રીમિયમ ભરવાની નોટિસ આપે છે. ગ્રામ પંચાયતની હદ પણ માત્ર ૩૦૦ મીટર કરી દેવામાં આવી છે. ખેડૂતોના વ્યક્તિગત સોગંદનામા કરી સરકારમાં રજૂ કર્યા છે. જેમાં સ્પસ્ટ રીતે જણાવ્યું છે કે, “અમારા જીવન નિર્વાહના મુખ્ય સ્ત્રોત સમી અમારી કિમતી ફળદ્રુપ જમીનો સદર યોજનામાં આપવાના નથી.”
તેમજ ઉચ્ચ ન્યાયાલયમાં પણ પીટીસન કરેલ છે જેમાં હાલ સ્ટેનો હુકમ ન્યાયાલયે કરેલ હોવા છતાં પીસીપીઆઈઆરના અધિકારીઓએ ઉચ્ચન્યાયાલયનો પણ અનાદર કરી ખેડૂતોને વારંવાર નોટિસો આપી હેરાન કરાતા અસરગ્રસ્ત ગામોના ખેડૂતોએ ગ્રામની ગ્રામસભા બોલાવી જાહેર ઠરાવ કરી જાહેર જગ્યા ઉપર જાહેરાત લગાડી જાહેર કર્યો હતો કે, “ગામના ખેડૂતોની માલિકીની જમીનમાં પીસીપીઆઈઆરના અધિકારી કે અન્ય એજન્સીના માણસોએ ખેડૂતની સંમતી વિના પ્રવેશ કરવો નહીં. જો તેમ છતાં પ્રવેશ કરશે તો તે ગેરકાયદેસર ગુનાહીત પ્રવેશ બદલની પોલીસ ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશને આપવામાં આવશે.”
સદર જાહેરાત બાબતની જાણ એસ.પી. અને કલેકટર ભરૂચ તેમજ પીસીપીઆઈઆરના અધિકારીને લેખિતમાં કરેલ હતી તેમ છતાં તારીખ ૪ ડિસેમ્બરના રોજ પીસીપીઆઈઆર દ્વારા નક્કી કરેલ એજન્સીના લોકો અટાલી તાલુકા વાગરાના ખેડૂતોની જમીનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી ખૂટી લગાવતા ખેડૂતોએ પકડતા દહેજ પોલીસ સ્ટેશને જમીન માલિક ખેડૂતો (૧) રમણભાઈ નરોત્તમ પ્રજાપતિ, (૨) સોયબ મંહમદઅલી પટેલ, (૩) ધરમિષ્ઠાબહેન બળવંતસિંહ રાજ, (૪) ગુલામ ઉમરડા પટેલ, (૫) અટાલી મસ્જિદ ટ્રસ્ટના વહીવટકર્તા યુનુસ વલી પટેલે એજન્સીના લોકો, મુખ્ય નગર નિયોજક, મદદનીશ નગર નિયોજક દહેજ તેમજ ગાંધીનગર વિરૂદ્ધ કલમ ૪૪૧, ૪૪૨, ૪૪૩ અને ૪૪૭ ગુનાહીત અપ પ્રવેશની ફરિયાદ દાખલ કરાવેલ છે.