(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૩
કેનેડાના વીઝા અપાવવાના બહાને ગરજાઉ શખ્સો પાસેથી રૂા.૨૨.૩૯ લાખ પડાવી લઇ ભેજાબાજ ઠગ એજન્ટ ફરાર થઇ ગયો હોવાનો બનાવ ગોત્રી પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતીનુસાર માંજલપુર દરબાર ચોકડી પાસે ગેલેક્ષી કોમ્પલેક્ષમાં રહેતા અને ચોલા મંડલમ ફાયનાન્સ કંપનીમાં એકઝીકયુટીવ તરીકે ફરજ બજાવતા કિરણ વિજયસિંહ મોહીતને કેનેડા જવાનું હતું.
આથી તેઓએ નવસારી ખાતે રહેતા પરેશ કિશોર આહીરનો સંપર્ક સાધી કેનેડાના વિઝા અંગે વાત કરી હતી. પરેશ આહીરે વડોદરા ભાયલી ગામે રહેતા મેહુલ ઉર્ફે કૃણાલ ભુપેન્દ્રભાઇ પટેલનો સંપર્ક સાધવા કહ્યું હતું. કેનેડાના વીઝા મેળવવા ઇચ્છુક કિરણ મોહીતેએ મેહુલ ઉર્ફે કૃણાલ પટેલનો સંપર્ક સાંધ્યો હતો. મેહુલ ઉર્ફે કૃણાલ પટેલે કેનેડા વિઝાની કાર્યવાહી અંગે રૂા.૧૫ લાખનો ખર્ચ થશે તેમ કહ્યું હતું. ત્યાર પછી હોટલ વેલકમ અલકાપુરી નજીક મુલાકાત થઇ હતી. કિરણ મોહીતેએ અસલ પાસપોર્ટ બેંક એકાઉન્ટ નંબર સહિતનાં અન્ય દસ્તાવેજો મેહુલ ઉર્ફે કૃણાલ પટેલને આપ્યા હતા. મેહુલે તેના ભાવનગર સ્થિત બેંક ઓફ ઇન્ડીયાના ખાતામાં આરટી જીટીએસથી રૂપિયા એક લાખ જમા કરાવ્યા હતા. ત્યાર પછી અલગ અલગ તારીખોએ કિરણ મોહીતેએ મેહુલ ઉર્ફે કૃણાલને રૂા.૫.૩૯ લાખ આપ્યા હતા. એક માસનો સમય વીતી ગયા બાદ વીઝા અંગેની પુછપરછ કરવામાં આવતા મેહુલ ઉર્ફે કૃણાલ પટેલે બહાના બનાવ્યા હતા. તમારા ત્રણ માસમાં વીઝા આવી જશે તેવી બાંહેધરી આપ્યા બાદ પણ કિરણ મોહીતને વીઝા મળ્યા ન હતા.
પાસપોર્ટની માંગણી કરતાં ભેજાબાજ મેહુલે નડિયાદના કોઇ મિત્ર મારફતે કિરણ મોહિતને પાસપોર્ટ આપ્યો હતો. જ્યારે રોકડ મત્તા પરત આપવાને બદલે ગલ્લા તલ્લા કર્યા હતા. મોહીતેએ વધુ તપાસ કરતાં રોનકભાઇ પટેલ પાસેથી રૂપિયા ૧૭ લાખ પડાવી લેવામાં આવ્યા હોવાની વિગતો સપાટી પર આવી હતી.