(એજન્સી)
નવી દિલ્હી, તા.૩૦
ભારતીય ઓલિમ્પિક સંઘે જાકાર્તા અને પાલેમબાગમાં ૧૮ ઓગસ્ટથી શરૂ થનાર ૧૮માં એશિયાઈ રમતોત્સવ માટે ભાજપના અપરાધી સાંસદ અને કુશ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહને ભારતીય દળના પ્રમુખ નિમ્યા છે. સાથે જ કોમનવેલ્થ કૌભાંડોમાં આરોપી રહેલા રાજકુમાર સંચેતીને ઉપપ્રમુખ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે બૃજભૂષણ શરણસિંહ ઉત્તર પ્રદેશના કેસરગંજ સંસદીય સીટ પરથી ભાજપના લોકસભા સાંસદ છે. સિંહ અનેક મામલાઓમાં આરોપી છે. વર્ષ-ર૦૧૪માં લોકસભા ચૂંટણીમાં સુપરત કરાયેલ સોગંદનામા મુજબ સિંહે પોતે જ કબૂલાત કરી છે કે તેમના પર અનેક અપરાધિક કેસો ચાલુ છે. જેમાં હત્યાનો પ્રયાસ, લૂંટફાટ અને કોમી હિંસા ભડકાવવાના આરોપો સામેલ છે. ભારતીય કુશ્તી સંઘના વર્ષ-ર૦૧રથી અધ્યક્ષ પદે રહેલ સિંહને પ૪૧ સભ્યોવાળા ભારતીય દળની આગેવાની કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય દળના ઉપપ્રમુખ તરીકે ચાર વ્યક્તિઓની નિમણૂક થઈ છે. જેમાંના એક રાજકુમાર સંચેતી વર્ષ-ર૦૧૦ની કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં સીબીઆઈ તપાસમાં આરોપી છે. કેન્દ્રીય તકેદારી કમિશને પણ કોમન વેલ્થ ગેમ્સમાં સંયુક્ત મહાનિર્દેશક પદનો દુરૂપયોગ કરવામાં સંચેતીને દોષી ઠેરવ્યો છે. સીવીસીએ એમની નિમણૂકમાં પણ અનિયમિતતાને ખુલ્લી પાડી છે. જેની સીબીઆઈ તપાસ ચાલુ છે. આ સિવાય ભારતીય ઓલિમ્પિક સંઘે પૂર્વ સેક્રેટરી જનરલ લલિત ભનોટને પણ એશિયન ગેમ્સની તૈયારી સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે. ભનોટ પણ કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં આરોપી છે અને લગભગ એક વર્ષ જેલની સજા ભોગવી ચૂક્યા છે. સીબીઆઈએ ભનોટને મુખ્ય આરોપી ઠેરવ્યા છે. આ નિયુક્તિઓ અંગે ઓલિમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મહેતાએ કોઈપણ નિવેદન આપવાનો ઈન્કાર કરી દીધો છે. રમતગમત મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ અને સચિવ રાહુલ ભટનાગરે પણ કોઈ જવાબ આપ્યો નથી.