ભાવનગર, તા. ૧ર
ભાવનગર શહેરમાં જ્યારથી નવા પ્રમુખ નિમાયા છે ત્યારથી તેમની સામે અસંતોષ અને રજૂઆતો સતત થતી જ રહે છે. ગતરોજ “જનમિત્ર” માટે શહેરની સર્કિટ હાઉસમાં કોંગ્રેસના નિરીક્ષક રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર અને પ્રદેશ અગ્રણી પ્રવિણ વાઘેલાની અધ્યક્ષતામાં કોંગી સંગઠન મજબૂત બનાવવા આવ્યા હતા. પરંતુ ભાવનગરના શહેર પ્રમુખ રાજેષ જોષી અને તેની ટીમ સાથે કોંગ્રેસના જ અગ્રણી અને કોંગીના માજી શહેર પ્રમુખ ડૉ. રણીંગા, કોર્પોરેટર અને અગ્રણી ભરતભાઈ બુધેલીયાએ પ્રદેશ નિરીક્ષકો સામે વર્તમાન પ્રમુખ સામે ભારે રોષ ઠાલવ્યો હતો. એક તબક્કે તો રાજેષ જોષી પ્રમુખને ક્યારે બદલાવો છો ? તેવું ઉગ્ર રીતે પૂછતા ખુદ રાજેષ જોષીએ જણાવેલ કે મેં તો બે વાર રાજીનામું આપ્યું છે પણ પ્રદેશ કોંગ્રેસ સ્વીકાર કરતી નથી.
એટલું જ નહીં ગત વખતની ચૂંટણીમાં ધારાસભાની ચૂંટણીમાં પ્રમુખ અને તેના ટેકેદારોએ ઉમેદવારો સામે ખૂબ જ કાર્યો કર્યા હતા અને પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી. તે પણ જણાવવામાં આવેલ. આનાથી પણ જૂનું કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે ટિકિટને મેળવનારા કાર્યકરોએ પક્ષ વિરોધી કાર્યો કર્યા અને જે-તે ચૂંટણીમાં કોંગ્રેસના ટેબલ ખુરશી અને પ્રચાર કાર્યને ખુલ્લેઆમ રોકવામાં આવેલા તેવા કાર્યકરોને પક્ષમાંથી બરતરફ કરવાને બદલે કોર્પોરેશનના શિક્ષણ સમિતિના અધ્યક્ષ બનાવી પક્ષ વિરોધીઓને શિરપાવ આપવામાં આવેલ…
આ બધું કોના ઈશારે થયું છે તે સર્વે આગેવાનો કાર્યકરો જાણે જ છે છતાંય આવા કાર્યકરોને કોનું પીઠબળ છે ? તેવું પૂછીને સીધા જ કોંગ્રેસના શહેર પ્રમુખ સામે આંગળી ચિંધવામાં આવેલ જો કે એ વાત પણ ખરી છે કે ભાવનગર શહેરના કોંગ્રેસના શહેર પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આશીર્વાદ સાથે સમા સંભાળે છે. તો સામા પક્ષે ડૉ. રાણીંગા અને ભરતભાઈ બુધેલીયા, દર્શનાબેન જોષી પણ શક્તિસિંહના ખેમાના છે. તો કહી શકાય કે શક્તિસિંહના જૂથમાં જ અંદરો-અંદર વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે.
ધારાસભાની ચૂંટણી વખતે ભાવનગરની મોટાભાગની વિધાનસભાની બેઠકો ઉપર જૂથવાદને કારણે જ કેટલીક બેઠકો ગુમાવવામાં આવી છે. ભાવનગર શહેરમાં તો છેલ્લા ર૦ વર્ષથી ભાજપ કોંગ્રેસને હરાવે છે. જ્યાં શહેરમાં કોંગ્રેસના સર્વે અગ્રણીઓ અંદરો-અંદર લડતા હોય પછી ભાજપને જીત મેળવતા કોણ રોકી શકે ?
આગામી વર્ષે યોજાનારા લોકસભાના ચૂંટણી સંદર્ભે મળેલ બેઠક જ તોફાની રહી તે હવે લોકસભામાં જીતવાના કોઈ ઓરતા પ્રદેશ કોંગ્રેસને પણ રહેશે નહીં