(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૪
આણંદ જિલ્લાનાં ખંભાત શહેરમાં કટ્ટરવાદી તત્ત્વોે મોટા પાયે હુમલાની યોજના ધડી રહ્યા છે,અને ૧૪ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન મુસ્લિમ સમાજ પર મોટા પાયે હુમલાઓ કરાશે તેવી ચર્ચાઓ અફવાઓ ચાલી રહી હોઈ અકબરપુર મુસ્લિમ સમાજ દ્વારા આ અંગે સ્થાનિક પોલીસ તેમજ આઈજીપી, ડીજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા આ રજુઆતને ગંભીરતાથી નહીં લેતા તેમજ અકબરપુર વિસ્તારમાં યોગ્ય પોલીસ બંદોબસ્ત તૈનાત નહી કરાતા કટ્ટરવાદી તત્વો બેફામ બન્યા હતા અને અકબરપુર સહીત જુદા જુદા વિસ્તારમાં મુસ્લિમ સમાજ પર હુમલાઓ કરી માલ મિલ્કતોને ભારે નુકશાન પહોંચાડયું હતું,તેમજ તોફાનો બાદ પણ પોલીસ દ્વારા એક તરફી મુસ્લિમ વિરોધી નિતી અપનાવતા મુસ્લિમ સમાજમાં પોલીસ તંત્ર વિરૂદ્ધ ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
ખંભાત શહેરમાં અકબરપુર વિસ્તારમાં ગત ૨૪મી જાન્યુઆરીનાં રોજ કટ્ટરવાદી તત્ત્વો દ્વારા હુમલો કરી પથ્થરમારો કરી તેમજ મકાનોને સળગાવી મુકવાની બનેલી ઘટના બાદ કટ્ટરવાદી તત્ત્વો દ્વારા ખંભાત શહેરનાં અકબરપુર વિસ્તારમાં મોટા પાયે તોફાનો કરાવવા માટે જુદા જુદા વિસ્તારોમાં કટ્ટરવાદી સંગઠનો દ્વારા સક્રીય બની ખાનગી બેઠકો શરૂ કરી હતી, જેને લઈને સમગ્ર શહેરમાં ૧૪થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન મોટા પાયે તોફાન થસે તેવી અફવાઓ અને ચર્ચાઓ વેગવંતી બની હતી,અને જેને લઈને ખંભાતનાં અકબરપુર મુસ્લિમ સમાજ દ્વારા શબ્બીર એ મલેક, ઈલ્મુદ્દીન બદરૂદ્દીન શેખ, યુનુસખાન પઠાણ, સાગીરખાન એચ પઠાણ, રફીકભાઈ સુલતાનભાઈ મલેક સહિત સ્થાનિક રહીસોએ ગત ૧૧મી ફેબ્રુઆરીનાં રોજ ખંભાત સિટી પોલીસ મથકનાં પીઆઈને લેખીત રજુઆત કરતા જણાવ્યું હતું કે હાલમાં ખંભાત શહેરમાં તા.૧૪ થી ૨૦ ફેબ્રુઆરી સુધી ગમે ત્યારે મુસ્લિમ વિસ્તાર પર અસામાજીક તત્વો મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છેે તેવી લોકચચાસ રૂપી અફવા ચાલી રહી છે,જેથી વિસ્તારનાં લોકો ખુબજ ભયભીત બની ભયના ઓથાર હેઠળ અજંપાભરી પરિસ્થિતીમાં જીવી રહ્યા છે, જેથી અમે આપને નમ્ર અરજ કરીએ છીએ કે આ બાબતને ગંભીરતાથી લઈને આપના દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી સમગ્ર અકબરપુર વિસ્તારમાં સધન અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવીને સ્થાનિકોને પુરતી સુરક્ષા પુરી પાડવામાં આવે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાાવ ન બને અને વિસ્તારમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે. અમારી અરજી અન્વયે યોગ્ય તાત્કાલિક પગલા લેવામાં આવે તેેવી આશા અને અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી.
તેમજ આ લેખિત રજૂઆતની નકલ ખંભાતનાં ડીવાયએસપી, આણંદનાં જિલ્લા પોલીસ અધીક્ષક, અમદાવાદ રેન્જનાં આઈજીપી, તેમજ રાજયનાં પોલીસ વડા અને મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવી હતી, તેમ છતાં સ્થાનિક તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મુસ્લિમ સમાજની આ લેખીત રજૂઆતને ગંભીરતાથી ધ્યાનમાં લીધી ન હતી તેમજ કોઈ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં નહી આવતા કટ્ટરવાદી તત્વો પોતાની યોજનાને અમલમાં મુકી અકબરપુર, લાલ દરવાજા સહિત તમામ વિસ્તારોમાં તોફાન કરી મુસ્લિમ સમાજની માલ મિલ્કતને લુંટફાટ કરી તોડફોડ કરી સળગાવી મુકવામાં તેમજ મસ્જીદ અને દરગાહ જેવા ધાર્મિક સ્થળોને પણ તોડફોડ કરી સળગાવી મુકી સમગ્ર શહેરને બાનમાં લઈ શહેરની શાંતીને છીન્ન ભિન્ન કરવામાં સફળ રહ્યા હતા,કટ્ટરવાદી તત્વો મોટાપાયે હુમલો કરશે તેવી ચર્ચાઓ સમગ્ર શહેરમાં વ્યાપક બની હતી અને જેને લઈને ત્રણ દિવસ પૂર્વે પણ તોફાની તત્વોએ પથ્થરમારો કરી મુસ્લીમ સમાજની ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કર્યો હતો,તેમ છતાં સ્થાનિક પોલીસ અને પોલીસના આઈબી વિભાગ દ્વારા કોઈ પગલા ભરવામાં નહિ આવતા ખંભાત શહેરનાં વિવિધ વિસ્તારો ભડકે બળ્યા હતા.જો પોલીસ દ્વારા મુસ્લિમ સમાજની લેખિત રજુઆતને ગંભીરતાથી લીધી હોત તો આ જુથ અથડામણ નિવારી શકાય હોત,પરંતુ કટ્ટરવાદી તત્ત્વો સમગ્ર જિલ્લાની પોલીસ ડોનાલ્ડ ટ્રમ્પનાં બંદોબસ્તમાં હતી તેની તકનો ગેર લાભ ઉઠાવીને સમગ્ર શહેરમાં મુસ્લિમ સમાજ પર હુમલો કરીને મુસ્લિમ સમુદાયની માલ મિલ્કતોને નુકસાન બનાવી ભારે નુકસાન કર્યુ હતું, પોલીસની એક તરફી નિતીને લઈને સ્થાનિક મુસ્લિમોમાં ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે.

અશાંતિ ફેલાવવા કટ્ટરવાદી તત્ત્વો દ્વારા બંધના એલાનના મેસેજ વાયરલ

(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨૪
ખંભાત શહેરમાં ગઈકાલે ફાટી નિકળેલા તોફાનો બાદ સમગ્ર શહેરમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે, અને આજે સમગ્ર શહેરમાં અજંપાભરી શાંતી પ્રસરી રહી છે, ત્યારે કેટલાદ હિન્દુ સંગઠનો દ્વારા આવતીકાલે મંગળવારે ખંભાત બંધનાં એલાનનાં મેસેજ ફરતા કરવામાં આવ્યા છે, તેમજ હિંદુ સમુદાયને મોટી સંખ્યામાં ગવારા ટાવર પાસે એકત્ર થવા માટે ફરતા થયેલા મેસેજને લઈને મુસ્લિમ સમુદાયમાં ભય અને દહેસતની લાગણી પ્રસરી રહી છે,ત્યારે બંધનાં એલાન આપી શહેરને વધુ અશાંત બનાવવા માંગતા તત્વો સામે પગલા ભરવામાં આવે તેવી લાગણી પ્રસરી રહી છે.
ત્યારે પોલીસ દ્વારા બંધનાં એલાન તેમજ લોકોને એકત્ર થવાનાં મેસેજ વાયરલ કરીને સમગ્ર શહેરમાં કોમી હુતાસણ પ્રગટાવવા માંગતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી પ્રસરી રહી છે.