(એજન્સી) તા.૧ર
ઉત્તરપ્રદેશની યોગી સરકારે અલ્હાબાદનું પ્રયાગરાજ અને ફૈઝાબાદનું અયોધ્યા નામકરણ કરતા આગ્રા શહેરના ભાજપ ધારાસભ્યે પણ આગ્રાનું નામ બદલીને ‘અગ્રધ્ન’ અથવા ‘અગ્રવાલ’ કરવાની માગણી કરી છે. પરંતુ આગ્રાના લોકોને આ પ્રસ્તાવ ગમ્યું નથી. અહીંના લોકોનું કહેવું છે કે તેમને વિકાસની જરૂર છે અને નામ બદલવાથી શહેરનું વિકાસ નહીં થાય. આગ્રા ટુરિઝમ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ સંદીપ અરોરાએ કહ્યું હતું કે અમને આગ્રાના નામનો ઉપયોગ કરી તાજમહેલનું માર્કેટીંગ કરવામાં ઘણા વર્ષો લાગ્યા. હવે અમારે કહેવું પડશે કે અમે અગ્રવાલથી આવ્યા છીએ. અમારી બધી જ મહેનત રાતોરાત ધૂળમાં ભળી જશે. આગ્રાનું નામ બદલવાની વાત મને નોટબંધી જેવી લાગે છે. તેમણે કહ્યું હતું કે જો નામ બદલવાથી વિકાસ થાય છે તો વડાપ્રધાન નિવાસ ૭ રેસકોર્સ રોડનું નામ વ્હાઈટ હાઉસ કરી દો અને રૂપિયા અને ડોલરનું મુલ્ય સરખું થઈ જશે. આગ્રા હોટલ એસોસિએશનના સભ્ય શેલેન્દ્ર ગર્ગે કહ્યું હતું કે આ અવ્યવહારૂ છે. નામ બદલવું સરળ નથી. તેઓ અમારી પાસેથી રાતોરાત બધી જ માર્ગદર્શિકાઓ પરથી નામ બદલવાની અપેક્ષા કેવી રીતે રાખી શકે છે ? અહીંના વ્યાપારી સંગઠને કહ્યું હતું કે શહેરનું નામ બદલવાથી મોટું આર્થિક નુકસાન થશે. ટ્રાવેલ કંપની ચલાવતા બ્રજેશ પંડિતે કહ્યું હતું કે બધા જ હોર્ડિંગ્સ અને બેનર્સ પરથી નામ બદલવાનો ખર્ચ લગભગ ૮૦૦ કરોડ રૂપિયા થશે. ચોક્કસપણે આ વિકાસ તરફ લઈ જનાર પગલું નથી. અહીંના સામાજિક કાર્યકર સી.પી. જોષીએ કહ્યું હતું કે યુવાનોને નોકરીઓ અને સારી તકોની જરૂર છે. શહેરોના નામ બદલવાથી તેમને કોઈ મદદ નહીં મળે.