(સંવાદદાતા દ્વારા) વાગરા, તા.૧૩
વાગરાના દહેજ જીઆઈડીસીમાં આવેલ એક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળતા પાંચ કામદારો દાઝી ગયા હતા. તમામને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર ત્રણ પૈકી બેના મોત થયા હતા.
દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં ગતરોજ રાત્રીના રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હેમાની કંપનીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગને કારણે કામમાં જોતરાયેલા પાંચ કામદારો આગથી દાઝી ગયા હતા. અફરાતફરીના માહોલ વચ્ચે અન્ય કામદારો જીવ બચાવવા સુરક્ષિત જગ્યાએ દોડી ગયા હતા. ઘટનાને પગલે ફાયર ફાઈટર દોડી આવ્યા હતા. જેમાં પાંચ પૈકી ત્રણ કર્મીઓની હાલત ગંભીર હતી. બાબુલાલ સોજીરામ બેરવા, અશોક લાલજી પરમાર, પપ્પુ સોજીરામ બેરવા, સંતોષ કુમાર મણીલાલ માંડવ અને સુમન કુમાર મંટુપાસવાન ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને સારવાર અર્થે સૌ પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં સારવાર દરમ્યાન પપ્પુ સોજીરામ બેરવા તથા કુમારસિંગનું હોસ્પિટલના બિછાને મોત નિપજ્યુ હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે, ફેક્ટરી એક્ટ મુજબ જે કંપનીઓ કામ કરતી ના હોય એવી કંપનીઓ સામે ફેક્ટરી ઈન્સ્પેક્ટર લાલ આંખ કરે તો છાશવારે બનતા અકસ્માતો ઉપર મહદઅંશે કાબુ મેળવી શકાય તેમ છે. પરંતુ તંત્ર અને કંપની વચ્ચે સાંઠ-ગાંઠને પગલે વારે તહેવારે આવા અનેક અકસ્માતોની પરંપરા નિરંતર ચાલુ જ રહેતી હોય છે.